News of Wednesday, 8th July 2026
તાત્કાલીક રૂપિયા દે નહિતર દર બે કલાકે વ્યાજ ચડશે...ધમકીથી પ્રદિપનો આપઘાતનો પ્રયાસ
ગોંડલના યુવાને એસિડ અને ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયોઃ પરિચીત પાસેથી ૧૪ હજાર લીધા હતાં: પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૮: ગોંડલમાં રહેતાં અને ઇમિટેશનની મજુરી કરતાં યુવાને વ્યાજખોરીમાં ફસાઇ જતાં ફિનાઇલ અને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. તેના કહેવા મુજબ પૈસાની જરૂર હોઇ પરિચીત પાસેથી ૧૪ હજાર થોડા દિવસ માટે લીધા હતાં. હવે આ શખ્સ દર બે કલાકનું વ્યાજ ચડાવતં હોઇ કંટાળીને પગલુ ભર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ ગોંડલમાં દોમડીયા સોસાયટીમાં રહેતાં પ્રદિપભાઇ ભરતભાઇ સાકરીયા (ઉ.વ.૩૨) નામના યુવાને સાંજે ફિનાઇલ તેમજ એસિડ ભેળા કરીને પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
પ્રદિપભાઇના કહેવા મુજબ તે બે ભાઇમાં મોટો અને અપરિણીત છે. છુટક ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેને પૈસાની જરૂર હોઇ ગોંડલમાં જ રહેતાં પરિચીત શખ્સ પાસેથી થોડા દિવસ પહેલા ૧૪ હજાર વ્યાજે લીધા હતાં. પણ હવે આ શખ્સ આકરી ઉઘરાણી કરી દર બે કલાકે વ્યાજ ચડશે તેમ કહી તત્કાળ પૈસા આપી દેવા દબાણ કરતો હોઇ કંટાળી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે ખરેખર શું બન્યું? તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
