તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 25th May 2026
સાવરકુંડલામાં પરશુરામ ઉપવન અને કપોળ કન્યા છાત્રાલય પાસે ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાની રજૂઆત
હજારો વિદ્યાર્થીઓ અને રાહદારીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂરઃ રોગચાળો ફેલાવવાની દહેશતઃ કામચલાઉ નિવારણના બદલે ગટર લાઈનની ક્ષમતા વધારી કાયમી નિકાલ લાવવા ચીફ ઓફિસરને લેખિત પત્ર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. રપઃ સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગ પર આવેલ પરશુરામ ઉપવન અને કપોળ કન્યા છાત્રાલય પાસે વારંવાર ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા અંગે સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા દ્વારા ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમણે આ પ્રશ્નનો સત્વરે કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
શ્રી ધર્મેન્દ્ર મહેતાએ પત્રમાં જણાવ્યું છે કે, આ રોડ શહેરનો મુખ્ય માર્ગ છે અને અહીંથી જ તમામ સ્કૂલ-કોલેજના હજારો વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો પસાર થાય છે. અહીં આવેલી મેઈન ગટર દર બે થી ત્રણ દિવસે ઉભરાઈ જાય છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિ સર્જાય છે.
શાળા-કોલેજે જતા માસૂમ બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે. ગટરના ગંદા પાણીના ભરાવાને લીધે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છર-માખીનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે. મુખ્ય માર્ગ હોવાને કારણે વાહનો લપસી જવાના અને અકસ્માત થવાના બનાવોની ભીતિ સતત રહે છે. હાલમાં પાલિકા તંત્ર દ્વારા માત્ર ગટર સાફ કરી કામચલાઉ સંતોષ માનવામાં આવે છે, પરંતુ બે-ત્રણ દિવસમાં સ્થિતિ ફરી જૈસે-થે થઈ જાય છે. પાલિકા સદસ્યએ ચીફ ઓફિસરનું ધ્યાન દોરતા જણાવ્યું છે કે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ ની કલમ ૧૭૯ અને કલમ ૬૩(૧)(ડ) અંતર્ગત જાહેર ગટર વ્યવસ્થા સુચારુ રાખવી અને નાગરિકોના આરોગ્યનું રક્ષણ કરવું એ નગરપાલિકાની પ્રાથમિક અને કાનૂની ફરજ છે. આથી, તંત્ર દ્વારા માત્ર લીંપાપોતી કરવાને બદલે ગટર લાઈનની ક્ષમતા વધારવામાં આવે, નવી લાઈન નાખવામાં આવે કે અન્ય કોઈ ટેકનિકલ નિકાલ શોધીને આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકહિતમાં ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો આ બાબતે તાત્કાલિક નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળવાની સંભાવના છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
