News of Sunday, 11th October 2026
નવરાત્રીમાં શેરી ગરબાથી લઈ મોટા આયોજન સુધી તમામ સ્થળોએ પોલીસ ચાંપતી નજર રાખશે.
'શી-ટીમ' ટ્રેડિશનલ ડ્રેસમાં મેદાનમાં રહી રોમિયોગીરી કરતા તત્વો પર નજર રાખશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબે ઘૂમી શકે તે માટે મોરબી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા અને મોરબી એસપી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
નવરાત્રીના બંદોબસ્તમાં એ-ડિવિઝન, બી-ડિવિઝન, મોરબી તાલુકા, એલસીબી, એસઓજી, શી ટીમ, સાયબર ક્રાઈમ, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટ્રાફિક બ્રાન્ચની વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે. હળવદ, વાંકાનેર સિટી, વાંકાનેર તાલુકા અને ટંકારા સહિતના વિસ્તારોમાં નાની શેરી ગરબીઓથી લઈને ઉમિયા નવરાત્રી અને પાટીદાર નવરાત્રી જેવા મોટા આયોજનોમાં 4 ડીવાયએસપી અને તમામ થાણા ઈન્ચાર્જની દેખરેખ હેઠળ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ અર્વાચીન ગરબાના આયોજન સ્થળની મુલાકાત લઈ જરૂરી સૂચના આપવામાં આવી હતી.
ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ સ્ટેશનની 'શી-ટીમ' (She Team) કાર્યરત કરવામાં આવી છે. આ ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના સ્થળોએ ખેલૈયાઓ વચ્ચે હાજર રહીને રોમિયો કે કનડગત કરતા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે અને તેઓને પકડી કાયદેસરની કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત લોકલ પોલીસ મથકનો ખાનગી સ્ટાફ (સર્વેલન્સ ટીમ) પણ વોચ રાખશે. ગરબા સ્થળ આસપાસ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસની ટીમ પણ ખડેપગે રહેશે.
પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે વાહનો નિયત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરવા અને બાળકો ગરબા રમવા જાય ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખવું. કોઈપણ મુશ્કેલી કે ઈમરજન્સીના સમયે લોકો 112 નંબર પર ફોન કરી શકે છે, પોલીસ 24/7 લોકોની મદદ અને સુરક્ષા માટે હાજર છે
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
