<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ગોંડલમાં ઓટો રીક્ષાઓના આડેધડ પાર્કીંગ સામે પોલીસની લાલ આંખઃ ૧૫ રીક્ષાચાલકોને દંડ

સરકારી હોસ્‍પિટલ સામે ખાડા વિસ્‍તારમાં એસ.પી. વિજયસિંહ ગુર્જર સહિતના પોલીસ કાફલાનું ફુટ પેટ્રોલીંગ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૮: ગોંડલમાં માંડવીચોક નજીક ટાઉનહોલ સામે પેસેન્‍જર ભરવાની લ્‍હાયમાં ટ્રાફિકને અવરોધરૂપ થઇ આડેધડ ર્પાકિંગ કરતા ઓટોરીક્ષા ચાલકોની મનમાની અંગે અખબારોમાં તસ્‍વીરો સાથે અહેવાલો પ્રસિદ્ધ થતા પોલીસ એક્‍શન મોડ પર આવી સતત ટ્રાફિક ને અવરોધતી રીક્ષાઓ સામે લાલ આંખ કરી બે દિવસ માં અઢાર થી વીસ જેટલા રીક્ષાચાલકો ને દંડ ફટકારી ડીટેન કરવાની કાર્યવાહી હાથ ધરતા બેફામ બની ને ટ્રાફિક ને અડચણરુપ બનેલા ઓટોરિક્ષા ચાલકો માં ફફડાટ ફેલાયો હતો.બીજી બાજુ પોલીસ ની આક્રમક કાર્યવાહી થી રાહદારીઓ તથા લોકોએ હાશકારો અનુભવ્‍યો હતો.

રાત્રે જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે ગુન્‍હાખોરી માટે ચર્ચા માં રહેતા સરકારી હોસ્‍પિટલ સામેનાં ખાડા વિસ્‍તારમાં ફુટ પેટ્રોલીંગ કરી કાયદો વ્‍યવસ્‍થાનો તાગ મેળવ્‍યો હતો. તેમજ એ'ડીવીઝન નાં પીઆઇ જે.આર.ઝાલા,બી'ડીવીઝન પીઆઇ જી.એસ.ગઢવી સહિત પોલીસ કાફલાએ સાંજે ટાઉનહોલ, માંડવીચોક, કડીયાલાઈન, બસસ્‍ટેન્‍ડ રોડ સહિત સઘન પેટ્રોલિંગ કરી બજારો વચ્‍ચે વાહનો ર્પાકિંગ કરતા બાહુબલીઓ તથા બેફામ બનેલા રીક્ષા ચાલકોને કાયદાનું ભાન કરાવ્‍યુ હતું. ટ્રાફિક અંગેની રજુઆત જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પાસે પંહોચી હોય તેમણે પણ પોલીસ તંત્રને ટ્રાફિક અવરોધરૂપ તત્‍વો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી.

પોલીસે ટાઉનહોલ, માંડવીચોક સહિત બજાર વિસ્‍તારો માં માર્ગ ને અવરોધરૂપ વાહનો કે રીક્ષા ચાલકોને શાન માં સમજી જવા ચેતવણી ઉચ્‍ચારી છે.અને ટ્રાફિક અંગે નું અભિયાન ચાલુ રહેશે તેવું જણાવ્‍યુ હતું.પોલીસ ની ટ્રાફિક અંગે ની આક્રમક કાર્યવાહી ને કારણે રાજમાર્ગોપર આડેધડ પાર્કીંગ કરતા વાહનચાલકો શિસ્‍તબદ્ધ બન્‍યા હતાં.અને સર ભગવતસિહનાં રાજમાર્ગો ફરી એકવાર પહોળા નજરે પડતાં હતાં.

(11:33 AM IST)