પોરબંદરઃ સેવા સંકલ્પ બાઈક યાત્રાનો વીડિયો વાયરલ થતાં ભાજપમાં ચર્ચાઃ તપાસ થશે કે નહીં ?
આ મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચતા યુવાનોને યાત્રા વચ્ચેથી જ પરત બોલાવી લેવામાં આવ્યા'તાઃ જોકે સ્થાનિક આગેવાનોનુ મૌન

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૧: વડનગરથી વારાણસી સુધી યોજાયેલી સેવા સંકલ્પ બાઈક યાત્રાને લઈને એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે પોરબંદર ભાજપ યુવા મોરચામાં ચર્ચા જાગી છે.
આ યાત્રામાં પોરબંદરથી યુવા મોરચાના નવનિયુક્ત હોદ્દેદાર સહિત ૪ થી ૫ યુવાનો જોડાયા હતા. યાત્રા દરમિયાન જુદા જુદા સ્થળોએ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન હોટલના એક રૂમમાં કેટલાક યુવાનો બેઠા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ટેબલ પર બોટલ અને ગ્લાસ જેવી વસ્તુઓ દેખાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને કાર્યકર્તાઓમાં પણ અંદરોઅંદર ચર્ચા ચાલી રહી છે કે, સેવા સંકલ્પ જેવી સત્તાવાર યાત્રામાં હોદ્દેદારો કરતા અંગત મિત્રોની સંખ્યા વધુ હતી. બીજી તરફ ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રીના પોરબંદર આગમન પહેલા જ આ વીડિયો સામે આવતા સંગઠન માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે.
પ્રાથમિક માહિતી મુજબ આ મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો છે અને સંબંધિત યુવાનોને યાત્રા વચ્ચેથી જ પરત બોલાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે સ્થાનિક આગેવાનો આ મામલે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે.
હાલ વાયરલ વીડિયોની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. સંગઠન દ્વારા તપાસ બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
