News of Monday, 13th July 2026
પોરબંદર લેન્ડ ગ્રેબિંગ કેસ : યુકે રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા શ્રીમતી ચૌલાબેન કડછાના કરોડોના 'ઝવેરી બંગલા' સહિત ૧૩ પ્લોટો પચાવી પાડનાર આરોપી હીરલબા જાડેજા વિરૂદ્ધ ગુનો દાખલ
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ કમલાબાગ પોલીસે શરૂ કરી તપાસ : કલેક્ટરના હુકમ બાદ ઇન્ચાર્જ ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ એફઆઈઆર

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: પોરબંદર શહેરમાં પરદેશ રહેતા એનઆરઆઈ (NRI) પરિવારની મિલ્કતો અને કરોડોની કિંમતી જમીનો પચાવી પાડવા અંગેનો એક હાઈપ્રોફાઈલ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોરબંદરમાં રેલ્વે પાટા પાસે આવેલી કિંમતી જમીન તેમજ મકાન પર ગેરકાયદેસર કબજો જમાવી લેવા બદલ કમલાબાગ પોલીસે કડક કાર્યવાહી કરીને આરોપી હીરલબા જાડેજા વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ (લેન્ડ ગ્રેબિંગ) હેઠળ ગુનો રજીસ્ટર કર્યો છે. આ કાર્યવાહી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ (કલેક્ટર) દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવાનો સત્તાવાર હુકમ જાહેર કરાયા બાદ તુરંત અમલમાં મૂકવામાં આવી છે.
યુકે સ્થિત ૭૦ વર્ષીય વૃદ્ધાના 'ઝવેરી બંગલા' અને ૧૩ પ્લોટો પર કરાયો કબજો:
આ કેસની વિગતવાર વિગત મુજબ, ફરિયાદ નોંધાવનાર મૂળ પોરબંદરના અને હાલ યુનાઇટેડ કિંગડમ (UK) ના સન્ડરલેન્ડ ટાયને ખાતે રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા શ્રીમતી ચૌલાદેવી ઉર્ફે ચૌલાબેન ભુરાભાઇ મુંજાભાઇ કડછા છે. પોરબંદરમાં કાવેરી હોટલ પાછળ, ક્રિષ્નાપાર્ક સોસાયટી, રેલ્વે પાટા પાસે આવેલો તેમનો પ્રખ્યાત 'ઝવેરી બંગલો' (સુરજ પેલેસ) જે સાત પ્લોટોમાં પથરાયેલો છે તે, તેમજ તેના સિવાયના અન્ય છ પ્લોટો મળીને કુલ ૧૩ પ્લોટો (કુલ ક્ષેત્રફળ-૧૮૬૫.૩૪ ચોરસ મીટર) ની બાંધકામ સહિતની કિંમતી જગ્યા આવેલી છે. આ કરોડોની કિંમતની સ્થાવાર મિલ્કતો પચાવી પાડવાના બદઇરાદાથી આરોપી હીરલબા જાડેજાએ તેના પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લીધો હતો.
જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમ બાદ પોલીસ પ્રશાસન એક્શનમાં:
પોતાની કરોડોની વડીલોપાર્જિત અને માલિકીની જમીન પચાવી પાડવામાં આવી હોવાની જાણ થતાં જ ભોગ બનનાર શ્રીમતી ચૌલાબેન કડછાએ પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માટે કાનૂની અરજી કરી હતી. કલેક્ટર કચેરી દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ આ મામલે તુરંત લેન્ડ ગ્રેબિંગ અધિનીયમ તળે ગુનો દાખલ કરવાનો હુકમ કમલાબાગ પોલીસ સ્ટેશનને કરવામાં આવ્યો હતો.
હુકમ મળતાની સાથે જ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (આઇ.પી.એસ.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (આઇ.પી.એસ.) ની કડક સૂચનાઓ અન્વયે પોરબંદર શહેરના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના સીધા માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સત્વરે કાર્યવાહી કરીને આરોપી હિરલબા જાડેજા વિરૂદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૯૨૬૦૪૨૭/૨૦૨૬ હેઠળ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૪(૧), ૪(૨), ૪(૩) તથા ૫(ગ) મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કડક તપાસ હાથ ધરી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
