News of Wednesday, 23rd September 2026
ચલાલા અંશાવતાર દાન મહારાજની જગ્યાના મહંત પૂ.વલકુબાપુના લઘુબંધુ પ્રતાપબાપુ ભગતનું અવસાન
પ્રતાપબાપુના નિધનથી ચલાલા શોકમગ્નઃ વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી અંતિમયાત્રામાં જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૩: લાખો-કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પવિત્ર કેન્દ્ર એવી ચલાલાની જગવિખ્યાત અંશાવતાર દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂ. વલકુબાપુ તેમજ પૂ.ભાયાબાપુના લઘુબંધુ તથા જગ્યાના લઘુ મહંત પૂ.મહાવીરબાપુ ભગત, ઉદયબાપુ ભગત અને અમરેલી લો કોલેજના પ્રિન્સિપાલ જોસનાબેન ભગતના કાકા, શાંત, સરળ, સહજ, માયાળુ, પરોપકારી અને હસમુખા સ્વભાવના પ્રતાપબાપુ મંગળુબાપુ ભગત(ઉ.૭૨)નું તા.૨૨ ને મંગળવારે સવારે ૧૦:૦૦ કલાકે ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન થતાં સમગ્ર ચલાલા પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
સદગત શ્રી પ્રતાપ બાપુ ભગત બાબરિયા વાડ, ગોહિલવાડ-કાઠિયાવાડ સહિત સમગ્ર ચલાલા પંથકના દરેક સમાજના આગેવાનો અને આમ જનતા સાથે વર્ષોથી આત્મીય રીતે જોડાયેલા હતા. તેમના સરળ, નિખાલસ અને પ્રેમાળ સ્વભાવને કારણે તેઓ માત્ર ભગત પરિવારના જ નહીં પરંતુ દાન મહારાજની જગ્યા સાથે જોડાયેલા સાધુ-સંતો, શ્રદ્ધાળુઓ, વેપારીઓ, સામાજિક આગેવાનો અને સમગ્ર ચલાલા પંથકના લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા હતા. સૌ સાથે હળીમળીને રહેવું, દરેકને હૂંફ આપવી અને જરૂરિયાતમંદ પ્રત્યે સહાનુભૂતિ રાખવી તેમનાં સ્વભાવની વિશેષતા હતી.
તેમના દુઃખદ અવસાનના સમાચાર પ્રસરી જતાં ચલાલા સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી.કાલે સવારે સદગત પ્રતાપબાપુ ભગતની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ તથા ચલાલા પંથકના લોકો જોડાયા હતા. સૌએ સદગતના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને શોકગ્રસ્ત ભગત પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા.
અંતિમયાત્રા દરમિયાન સતાધાર જગ્યાના પ્રતિનિધિ, કરજાળા થી જીલુબાપુ, કાતરથી દાદબાપુવરુ, વડ-રાજુલાના પીઠુભાઈ બોરીચા, ગઢીયા ગીર દાનેવ આશ્રમના મહંત હર્ષદબાપુ ભગત, ચલાલાની સેવાભાવી સંસ્થા ગાયત્રી સંસ્કારધામના મહેશભાઈ મહેતા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સંઘના ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા, ચલાલા નગરપાલિકા પ્રમુખ સદસ્યશ્રીઓ તેમજ શહેર ભાજપ સંગઠનના આગેવાનો, ચલાલા લોહાણા મહાજનના આગેવાનો સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સદગત શ્રી પ્રતાપ બાપુ ભગતને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ પાઠવી હતી.
ક્ષત્રિય સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજબંધુઓ અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને સદગત પ્રકતાપબાપુ ભગતના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
વિવિધ સમાજના લોકોની ઉપસ્થિતિએ પ્રતાપબાપુ ભગત પ્રત્યે સમગ્ર પંથકમાં રહેલી આત્મીયતા અને લાગણીને ઉજાગર કરી હતી. પ્રતાપબાપુ પ્રત્યેની આત્મીયતા અને લાગણીનું એક અનોખું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે ચલાલા શહેરના તમામ વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વેપારીઓ સહિત સમગ્ર શહેરે જાણે પોતાના પરિવારના એક આત્મીય સ્વજનને ગુમાવ્યું હોય તેવી લાગણી સાથે શોક વ્યક્ત કર્યો હતો.
સદગત પ્રતાપબાપુ ભગત જગ્યા પરિવાર દ્વારા દુઃખની આ ઘડીમાં પણ સમાજસેવાની ભાવનાને જીવંત રાખવામાં આવી હતી. દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ ભગતના હસ્તે સ્વર્ગસ્થ પ્રતાપ બાપુ ભગતના પરિવાર તરફથી ચલાલા સ્મશાનગળહને રૂ. ૫૧,૦૦૦નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય દ્વારા ભગત પરિવારે સદગત પ્રતાપ બાપુની સ્મળતિને સમાજસેવા સાથે જોડીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દરમિયાન ઇફ્કોના ચેરમેન અને સહકાર ક્ષેત્રના શિરોમણિ દિલીપભાઈ સંઘાણી, રાજકોટ જિલ્લા સાંસદ શ્રી રૂપાલા, ધારી-બગસરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા બહાર હોય તેઓએ ટેલિફોનિક રીતે શોક વ્યક્ત કરી સદગત શ્રી પ્રતાપબાપુ ભગતને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતીઅને ભગત પરિવાર પ્રત્યે ડી સંવેદના વ્યક્ત કરી હતી.
દાન મહારાજની પવિત્ર જગ્યા સાથે જોડાયેલા એક સરળ, સહજ, સેવાભાવી અને સૌના સુખ-દુઃખમાં સહભાગી બનતા આત્મીય વ્યક્તિત્વના નિધનથી સમગ્ર ચલાલા પંથકે એક તોહી સ્વજન ગુમાવ્યો છે. સદગત પ્રતાપ બાપુ ભગતની સેવાભાવના, સરળતા અને પ્રેમાળ સ્વભાવની સ્મળતિ હંમેશા સૌના હૃદયમાં જીવંત રહેશે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
