News of Saturday, 26th September 2026
કચ્છના નીલપર કન્યા છાત્રાલયમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે આચાર્ય, ગૃહમાતા, ટ્રસ્ટી સહિત ચાર સામે પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ
આચાર્ય વિપુલ ગોહિલની પાપલીલા છુપાવી ગૃહમાતા પૂજાબેન ગોહિલ અને ટ્રસ્ટીઓ દિનેશ સંઘવી, અનિરુદ્ધસિહ જાડેજાએ ફરિયાદ ન કરવા ધમકાવ્યા હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ, આચાર્યના ખિસ્સામાંથી પ્રેગ્નન્સી કીટ પડી અને મામલો ચર્ચામાં આવ્યો હતો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ : કચ્છના રાપર તાલુકાના નીલપર ગામે ગ્રામ સ્વરાજ સંઘ સંચાલિત નિવાસી શાળા-કન્યા છાત્રાલયમાં ૧૩ વર્ષની સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાના ગંભીર આક્ષેપો મામલે આખરે રાપર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાઈ છે. પોલીસે શાળાના આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે પોક્સો તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલ ઉપરાંત હોસ્ટેલની ગૃહમાતા પૂજાબેન ગોહિલ, સંસ્થાના ટ્રસ્ટીઓ દિનેશ સંઘવી, અનિરુદ્ધસિંહ જાડેજાનાં નામનો ઉલ્લેખ છે. ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવી છે.
પરીક્ષામાં ઓછા માર્ક્સની ધમકી આપ્યાનો આક્ષેપ
પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, સગીરાને આચાર્ય વિપુલ ગોહિલ દ્વારા વારંવાર જાતીય શોષણ દ્વારા હેરાન કરવામાં આવતી હતી અને તેની સાથે સંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હતું. સંબંધ નહીં રાખે તો પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. પોલીસ ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે સગીરાએ આ અંગે હોસ્ટેલની ગૃહમાતા પૂજાબેન ગોહિલને રજૂઆત કરી હતી, પરંતુ મામલો અન્ય કોઈને ન જણાવવા તેને ધમકાવવામાં આવી હતી. વધુમાં, સંસ્થાના મંત્રી અને મેનેજર સમક્ષ રજૂઆત કરવા છતાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
પ્રેગ્નન્સી ટેસ્ટ કીટથી મામલો બહાર આવ્યો
સમગ્ર મામલો શાળાના પરિસરમાંથી પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ મળી આવ્યા બાદ પ્રકાશમાં આવ્યો હતો. ૧૫ ઓગસ્ટના બે દિવસ પહેલાં આ કીટ આચાર્યના ખિસ્સામાંથી નીચે પડી હોવાની ઘટના CCTVમાં દેખાઈ હતી. ત્યારબાદ સંસ્થાના સંચાલકોના ધ્યાન પર મામલો આવ્યો હતો.
આ બનાવ બાદ ૨૪ ઓગસ્ટે આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલને સંસ્થા દ્વારા સેવામુક્ત કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી હતી.
આચાર્યના ખિસ્સામાંથી પ્રેગ્નન્સી ટેસ્ટ સ્ટ્રીપ પડી હોવાની જાણ થયા બાદ તેમની સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ કેમ ન થઈ અને સંસ્થાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કેમ ન કરી એ અંગે સ્થાનિક લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પીડિત સગીરા તથા તેના પરિવારને ન્યાય મળે તે માટે પોલીસ ફરિયાદ કરવાની માગ સાથે રજૂઆતો પણ થઈ હતી. નીલપરના સરપંચ તેમજ રાપર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.
શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા
મામલો બહાર આવ્યા બાદ કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગે પણ તપાસ હાથ ધરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ કેસમાં તપાસના આદેશ આપ્યા હતા અને વધુ તપાસ માટે કમિટી રચવામાં આવી હતી. સંસ્થા તથા શાળાની મુલાકાત લઈને વિગતો મેળવવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું.
હવે પોલીસ તપાસ પર નજર
ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર કેસમાં પોલીસ તપાસ મહત્વની બની છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની ચકાસણી, CCTV ફૂટેજ, સંસ્થાના રેકોર્ડ, સંબંધિત વ્યક્તિઓનાં નિવેદનો તથા અન્ય પુરાવાઓની તપાસ હવે પોલીસ દ્વારા કરવામાં આવશે. સગીરા અને તેના પરિવારની સુરક્ષા તથા કાયદેસર રીતે જરૂરી બાળમૈત્રીપૂર્ણ પ્રક્રિયાનું પાલન પણ આ કેસમાં મહત્વનું રહેશે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
