News of Sunday, 3rd May 2026
પાટડી પંથકમાં પાણીના પોકાર વચ્ચે નર્મદાની મુખ્ય પાઇપ લાઇનમાં પંચર પાડીને બેરોકટોક પાણીચોરી કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ
પાટડી-હિંમતપુરા રોડ પાસે કેટલાક આવારા તત્વો દ્વારા જાહેર રોડ પર નર્મદાની પાઇપલાઇન તોડી ગેરકાયદેસર રીતે પાણીના ટાંકા ભરવામાં આવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં એકતરફ પીવાના પાણીની વિકટ તંગી સર્જાઈ છે, ત્યારે બીજી તરફ નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં પંચર પાડીને બેરોકટોક પાણીચોરી કરવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પાટડી-હિંમતપુરા રોડ પાસે કેટલાક આવારા તત્વો દ્વારા જાહેર રોડ પર નર્મદાની પાઇપલાઇન તોડી ગેરકાયદેસર રીતે પાણીના ટાંકા ભરવામાં આવી રહ્યા છે.
આ ચોરી કરેલા પાણીનું વેચાણ કરીને તત્વો આર્થિક લાભ મેળવી રહ્યા હોવાનો ધડાકો થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભર ઉનાળે જ્યારે પંથકના ખેડૂતો અને સામાન્ય નાગરિકો પાણીના એક-એક ટીપાં માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે અસામાજિક તત્વો દ્વારા સરેઆમ પાણીની ચોરી કરવામાં આવી રહી છે. પાટડી-હિંમતપુરા રોડ પર નર્મદાના નીર ગેરકાયદેસર રીતે ટાંકાઓમાં ભરીને તેનું વેચાણ કરવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. આ કૌભાંડને પગલે છેવાડાના ગામડાઓ સુધી પહોંચતું પાણી ઓછું થઈ રહ્યું છે, જેના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે.
જાહેર રોડ પર આ પ્રકારે નર્મદાની લાઇન તોડીને પાણી ચોરી થતી હોવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ કેમ અજાણ છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે કાં તો અધિકારીઓ જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યા છે અથવા તેમની મિલીભગતથી જ આ કૃત્ય આચરવામાં આવી રહ્યું છે. તંત્રની ઢીલી કામગીરીને કારણે આવારા તત્વોને મોકળું મેદાન મળ્યું છે. હાલમાં ગ્રામજનો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ યોગ્ય તપાસ કરી જવાબદારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
