<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

અમરેલી જિલ્લામાં ચોથા દિવસે વરસાદી માહોલ :વડિયા પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ખાખરિયા, સૂર્ય પ્રતાપગઢ, અનિડા, મોટા ઊજળા અને ચોકી સહિતના આજુબાજુના ગામોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો

અમરેલી જિલ્લામાં મેઘરાજા ભારે હેત વરસાવી રહ્યા છે. જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘાવી માહોલ જામ્યો છે. આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વડિયા પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન સાથે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. સતત થઈ રહેલા વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે.

વડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખાખરિયા, સૂર્ય પ્રતાપગઢ, અનિડા, મોટા ઊજળા અને ચોકી સહિતના આજુબાજુના ગામોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ શરૂ થયેલા આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે.

છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક લોકો અસહ્ય ગરમી અને અકળાવનારા ઉકળાટથી પરેશાન હતા, ત્યારે આ વરસાદે લોકોને મોટી આશિક રાહત આપી છે. વાતાવરણમાં પ્રસરેલી ઠંડકને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ, સતત ચોથા દિવસે વરસી રહેલા આ વરસાદને પગલે ખરીફ પાકના વાવેતર માટે અનુકૂળ સ્થિતિ સર્જાતા ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. કૃષિ નિષ્ણાતોના મતે આ વરસાદ વાવણી લાયક હોવાથી ખેડૂતો હવે જોરશોરથી ખેતીકામમાં લાગી જશે.

(8:51 PM IST)