News of Wednesday, 24th June 2026
મહોરમ પર્વના પાવન અવસરે જામનગર શહેરમાં સૌહાર્દ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં વિશેષ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
તાજિયા જુલૂસના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાઓ અને પોલીસ તંત્ર વચ્ચે વ્યાપક સંકલન અને ચર્ચા-વિચારણા હાથ ધરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 24 : મહોરમ પર્વ નજીક આવી રહ્યું હોય જામનગર શહેરમાં ભાઈચારા અને સૌહાર્દભર્યું વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર આજે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં એક વિશેષ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈજી નિર્લિપ્ત રાય ખાસ જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા પોલીસ તંત્રના વરિષ્ઠ અધિકારીઓ, શહેરના હિંદુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહોરમ દરમિયાન શહેરમાં નીકળનારા તાજિયા અને જુલૂસના નિશ્ચિત માર્ગો, સમય, ટ્રાફિક ડાયવર્ઝન તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આઈજી નિર્લિપ્ત રાયે બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે મહોરમનો તહેવાર ત્યાગ અને ભાઈચારાનો સંદેશ આપે છે. શહેરમાં કાયદો-વ્યવસ્થા અકબંધ રહે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે સમાજના તમામ અગ્રણીઓને પોલીસ તંત્રને સહકાર આપવા, સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા અટકાવવા અને યુવાનોને શાંતિનો સંદેશ આપવા ખાસ અપીલ કરી હતી.
બેઠકના અંતે તહેવાર શાંતિપૂર્ણ અને સુખદ રીતે ઉજવાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. જુલૂસ રૂટ પર સીસીટીવી, પોલીસ બંદોબસ્ત અને મેડિકલ ટીમની વ્યવસ્થા ગોઠવવાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સૌ અગ્રણીઓએ શહેરમાં સદભાવના અને એકતાનો દીવો પ્રગટાવી મહોરમ ઉજવવાની સંયુક્ત બાંહેધરી આપી હતી.
(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
