તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 7th November 2026
રાજકોટની દિલશાનાને આટકોટમાં સસરાએ કહ્યું-અમે બધા હાફ મર્ડરવાળા છીએ, મારીને ફેંકી દઇશું તો ખબર નહિ પડે!
શાદીના એક જ મહિના બાદ સાસુએ કામ આવડતું નથી કહી ગાળો દઇ કાઢી મુકીઃ આ પછી અવાર-નવાર કાઢી મુકવામાં આવી પતિ પોતાની માતાની ચઢામણીથી માર મારતોઃ જેઠ-જેઠાણી તારા બાપનું ઘર નથી કહી પટ્ટા-ઢીકાપાટુથી મારતાં: અંતે તાલુકા પોલીસને જાણ કરીઃ પતિ સાગીલ, સસરા સિકંદરભાઇ સાંધ, સાસુ રેહાનાબેન, જેઠાણી આર્યાનાબેન અને જેઠ અરશદ સામે ગુનો

રાજકોટ તા. ૭: આટકોટ સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટ પુનિતનગરમાં માવતરે આવેલી પરિણીતાએ આટકોટ રહેતાં પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ દાખલ કરાવી છે. લગ્નના એક જ મહિના બાદ સાસુએ તને તારા માવતરે કંઇ કામ શીખવ્યું નથી કહી મેણાટોણા માર્યા હતાં અને સામુ કેમ બોલી? કહી કાઢી મુકી હતી. આ રીતે અવાર-નવાર પતિ-સાસુએ ઝઘડા કરી, જેઠ-જેઠાણીએ તારા બાપનું ઘર નથી કહી ઢીકાપાટુ પટ્ટાથી માર મારતાં અને સસરાએ તો ‘અમે બધા હાફ મર્ડરવાળા છીએ, તું તારે પોલીસને બોલાવી લે, તને ક્યારે મારીને ફેંકી દઇશું તેની ખબર પણ નહિ પડે' તેવી ધમકી પણ દેતાં તેણીએ આ તમામ સામે ફરિયાદ દાખલ કરાવી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે હાલ રાજકોટ પુનિતનગર કરણ પાર્ક નજીક મદ્રેસા મોૈલા અલી રોયલ જનરલ સ્ટોર પાસે રહતી અને આટકોટ હુસેની ચોક કિસ્મત ઓટો ગેરેજ પાસે સાસરૂ ધરાવતી દિલશાનાબેન સાગીલ સાંધ (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી આટકોટ રહેતાં તેણીના પતિ સાગીલ સિકંદરભાઇ સાંધ, સાસુ રેહાનાબેન, સસરા સિકંદરભાઇ જુમાભાઇ સાંધ, જેઠ અરશદ સિકંદરભાઇ અને જેઠાણી આર્યાના ઉર્ફે આરૂ અરશદ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
દિલસાનાબેનના પિતાનું નામ અશરફભાઇ સમા છે. તેણીએ બી. કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણી પાંચ બહેનો છે. જેમાં પોતે ત્રીજા નંબરે છે. તેણીના લગ્ન ૧૪/૫/૨૬ના રોજ આટકોટના સાગીલ સાંધ સાથે થયા છે. ફરિયાદમાં જણાવાયું છે કે લગ્ન બાદ શરૂઆતના દોઢ મહિના સુધી તેમનો ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. બાદમાં તા. ૨૬/૬/૨૬ના રાતે દસ આસપાસ સાસુ રેહાનાબેને તું ઘરમાં કામ સરખું કરતી નથી, તારા માવતરે તને કાંઈ કામ શીખવાડેલ નથી તેમ કહી મેણા-ટોણા માર્યા હતા. દિલશાનાબેને હવેથી તમે કહેશો તેમ કામ કરીશ તેમ કહેતા સાસુએ ઉશ્કેરાઈને તું મારી સામે કેમ બોલી? તેમ કહી ગાળો આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી તેઓ પિતાના ઘરે રાજકોટ આવી ગયા હતા. ૨૦ દિવસ બાદ પતિ સમાધાન કરીને આટકોટ તેડી ગયો હતો.
આ પછી ૨૮/૭ના ફરીથી સાસુએ ફરી ઘરકામ બાબતે ઝઘડો કરી ઘર બહાર કાઢી મૂકતા દિલશાનાબેન પિતાના ઘરે આવી ગયા હતા, જ્યાંથી પતિ ફરી તેડી ગયો હતો. ત્યારબાદ ૮/૮ના રાતે જમવાનું બનાવવા બાબતે સાસુએ ઝઘડો કરી મા-બાપને ગાળો આપી હતી. દિલશાનાબેને ગાળો આપવાની ના પાડતા પતિએ મોઢા પર ફડાકો મારી દીધો હતો અને મમ્મી સામે કેમ બોલે છે? કહી ગાળો આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જ્યારે પિતાને ફોન કરવાનું કહ્યું તો પતિ સાગીલે ધમકી આપી હતી કે-તારા પિતાજીને અહીં બોલાવીશ તો તેને છરીના ઘા મારી દઈશ.
ત્યારબાદ ૧૫/૮ના રાતે સાસુએ તારી ઘરવાળીને કચરા-પોતા કે ઘરનું કોઈ કામ આવડતું નથીૅ તેમ કહી પતિ સાથે બોલાચાલી કરાવી હતી. દિલશાનાબેનને પતિએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. દિલશાનાબેને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા હાજર સસરા સિકંદરભાઈએ ગંભીર ધમકી આપતા કહ્યું હતું કે-તારે જ્યાં પોલીસ ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે, અમારા પરિવારમાં બધા હાફ મર્ડરવાળા જ છે, તને ક્યારે મારીને નાખી દઈશું કોઈને ખબર પણ નહીં પડે. આમ કહી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.
ત્યારબાદ ૪/૧૦/૨૬ના રાતે નવેક વાગ્યે પતિ દિલશાનાબેનને પિતાના ઘરેથી તેડવા આવ્યા ત્યારે સાથે જવાની ના પાડતા પતિએ ફરી પિતાને છરીના ઘા મારી દેવાની ધમકી આપી હતી. દિલશાનાબેને ગભરાઈને પોલીસ હેલ્પલાઈન નંબર-૧૧૨ પર ફોન કરીને પોલીસ બોલાવી હતી, પરંતુ ઘર સંસાર તુટી જવાના ડરથી તે સમયે પોલીસ ફરિયાદ કરી ન હતી.
આ પછી ૨૮/૧૦ના રોજ પતિ ફરી તેણીને આટકોટ તેડી ગયા બાદ ૩૦મીના રાતે રોજ રાતે જેઠાણી આર્યાના ઉર્ફે આરૂબેને તું કાઈ કામ કરતી નથીૅ તેમ કહી ઝઘડો કર્યો હતો. દિલશાનાબેને મારાથી થાય એટલું કામ કરુ છું તેમ કહેતા જેઠાણીએ તારે અહીં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે, આ તારા બાપનું ઘર નથી તેમ કહી ગાળો આપી હતી. દિલશાનાબેને વિરોધ કરતા જેઠાણીએ જેઠ અરશદભાઈને ફોન કરીને બોલાવ્યા હતા. જેઠે આવી ગાળો આપી બેલ્ટ વડે તેમજ જેઠાણી સાથે મળીને ઢીકા-પાટુનો બેરહેમીથી માર માર્યો હતો. અંતે ૩૧/૧૦ના રોજ તેણી ફરીથી રાજકોટ પિતાના ઘરે આવી ગઇ હતી અને હવે ફરિયાદ કરી હતી. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. કિશનભાઇ અજાગીયાઅ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
