તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 29th August 2026
કચ્છના રાપરમા રક્ષાસૂત્રના તાંતણે જોડાયું પોલીસ અને વડીલોનું સ્નેહબંધન
રાપર પોલીસની મહિલા કર્મચારીઓએ સિનિયર સિટીઝનોને રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી વડીલોના આશીર્વાદ મેળવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : ફરજના કારણે પોલીસ કર્મચારીઓ અનેક તહેવારો પરિવાર સાથે ઉજવી શકતા નથી, ત્યારે રાપર પોલીસની મહિલા કર્મચારીઓએ રક્ષાબંધનના પવિત્ર પર્વની અનોખી અને લાગણીસભર રીતે ઉજવણી કરી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ રાપર શહેરના સિનિયર સિટીઝન ગ્રુપ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મચારીઓએ વડીલોને રાખડી બાંધી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
રક્ષાબંધનના પવિત્ર દિવસે ઉર્વશી સોલંકી, હિના બહેન ઠાકોર અને કલ્પના મકવાણા સહિતની મહિલા પોલીસ કર્મચારીઓએ સિનિયર સિટીઝન ગ્રુપના વડીલોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓ અને વડીલો વચ્ચે લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું.
પોલીસ કર્મચારીઓ પણ સમાજનો એક અભિન્ન હિસ્સો છે અને ફરજની સાથે સામાજિક તથા માનવીય લાગણીઓને પણ મહત્વ આપે છે, તેનો સુંદર સંદેશ આ કાર્યક્રમ થકી આપવામાં આવ્યો હતો. મહિલા પોલીસ કર્મચારીઓએ વડીલો સાથે સમય વિતાવી રક્ષાબંધનની ખુશી વહેંચી હતી.
આ પ્રસંગે મુકેશસિંહ રાઠોડ, રાજેશ જોશી, મનસુખભાઈ ઠક્કર, વાસુદેવ જોશી, મોરારદાન ગઢવી, કાંતિભાઈ પટેલ સહિતના સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રક્ષાબંધનના પવિત્ર પર્વે રાપર પોલીસની આ પહેલથી પોલીસ અને સમાજ વચ્ચેના સ્નેહ, વિશ્વાસ, સુરક્ષા અને માનવતાના સંબંધને વધુ મજબૂતી મળી હતી. વડીલોએ મહિલા પોલીસ કર્મચારીઓને આશીર્વાદ આપી તેમની આ લાગણીસભર પહેલને બિરદાવી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
