<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

‘લુટેરી દુલ્હન ગેંગ’ના મુખ્ય વોન્ટેડ આરોપીને અમદાવાદથી ઝડપી પાડતી રાપર પોલીસ

લગ્નના બહાને યુવકો સાથે છેતરપિંડી કરી નાણાં પડાવવાના ગુનામાં બે મહિનાથી ફરાર મનોજ ઉર્ફે મઘરમ ચુનારા ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ :  લગ્નના બહાને ભોળા યુવકોને નિશાન બનાવી તેમની સાથે છેતરપિંડી કરી નાણાં પડાવતી ‘લુટેરી દુલ્હન ગેંગ’ સામે પૂર્વ કચ્છની રાપર પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ ગેંગના મુખ્ય વોન્ટેડ આરોપી મનોજ ઉર્ફે મઘરમ ચુનારાને પોલીસે અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. છેલ્લા બે મહિનાથી પોલીસને હાથતાળી આપીને ફરાર રહેતા આરોપીની ધરપકડ થતાં પોલીસને સફળતા મળી છે. લગ્ન કરાવવાના બહાને યુવકો સાથે છેતરપિંડી કરી નાણાં પડાવવાના મામલે ગત ૧૧ ઓગસ્ટના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં આ ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદથી મનોજ ઉર્ફે મઘરમ ચુનારા પોલીસ પકડથી દૂર હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી હતી.

દરમિયાન, રાપર પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે આરોપીનું પગેરું મેળવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ખાતે છટકું ગોઠવી પોલીસે મનોજ ઉર્ફે મઘરમ ચુનારાને ઝડપી પાડ્યો હતો.

આ સમગ્ર કામગીરી રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ખટાણા, પીએસઆઈ એચ. વી. કાતરીયા અને તેમની પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લગ્ન જેવા પવિત્ર સંબંધના નામે યુવકોને છેતરતી ટોળકી સામે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે આરોપીની પૂછપરછ દરમિયાન આવા અન્ય ગુનાઓને લગતી વધુ વિગતો બહાર આવે છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે.

(1:14 PM IST)