<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

જેતપુર નવાગઢના રવિ વીંઝુડાની ગોંડલ જેલમાં તબીયત ખરાબ થયા બાદ રાજકોટ સારવારમાં મૃત્‍યુ

મારામારીની સામ-સામે ફરિયાદ થઇ હોઇ બારેક દિવસથી જેલમાં હતોઃ રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૧૨: જેતપુર નવાગઢમાં રહેતાં યુવાનની ગોંડલ સબ જેલમાં તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. મારામારીની સામ સામે ફરિયાદ દાખલ થઇ હોઇ બારેક દિવસથી આ યુવાન જેલમાં હતો. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું છે.

જાણવા મળ્‍યા મુજબ જેતપુર નવાગઢ ધારમાં રહેતાં રવિભાઇ લાખાભાઇ વિંઝુડા (ઉ.વ.૨૮)ને ગઇકાલે ગોંડલ સબ જેલમાં હતો ત્‍યારે છાતીમાં ગભરામણ થતી હોવાની ફરિયાદ કરી હતી. તેની તબીયત ખરાબ જણાતાં જેલમાંથી તુરત જ સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવતાં અહિ દાખલ કરાયોહ તો. રાતે સારવાર દરમિયાન તેનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર રવિભાઇ બે ભાઇમાં નાનો હતો અને તેને સંતાનમાં એક દિકરો છે. તેના પિતા હયાત નથી. સગાના કહેવા મુજબ બાર દિવસ પહેલા જેતપુરમાં રવિભાઇ અને સામેના પક્ષ વચ્‍ચે મારામારી થઇ હતી. દારૂની બાતમી આપતો હોવાનો આરોપ મુકી રવિભાઇ પર હુમલો કરાયો હતો. સામે પણ આ અંગે ગુનો દાખલ થતાં પોલીસે બંને પક્ષના લોકોની ધરપકડ કરી હોઇ રવિભાઇ બારેક દિવસથી જેલમાં હતો. તેનું મૃત્‍યુ હાર્ટએટેકથી થયું કે અન્‍ય કારણોસર? તે જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું છે. દિકરાને અગાઉથી જ જેની સાથે માથાકુટ હતી તેના તરફથી સતત ધમકીઓ મળતી હોઇ તે દબાણમાં અને ગભરાયેલો રહેતો હોવાનો આક્ષેપ સગાએ કર્યો હતો. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(11:32 AM IST)