તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 9th September 2026
મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વિક્રમી ૯૬.૨૧ ટકા મતદાનઃ મતપેટીઓ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ
સહકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગઃતે આવતીકાલના પરિણામ પર સહકારી-રાજકીય વર્તુળોની મીટ: બંને પક્ષોના શ્વાસ અધ્ધર: ખેડૂત વિભાગમાં ૯૬.૦૮ ટકા અને વેપારી વિભાગમાં સો ટકા મતદાન નોંધાયું છે. આવતીકાલે મતગણતરી બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

મોરબી માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણી માટે મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કરતાં સરેરાશ ૯૬.૨૧ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે લગભગ ૧૧૦ સહકારી મંડળીઓના કુલ ૧,૫૦૭ મતદારોમાંથી ૧,૪૪૮ મતદારોએ મતદાન કર્યું હતું. આ વિભાગમાં ૯૬.૦૮ ટકા મતદાન નોંધાયું છે. વેપારી વિભાગની ચાર બેઠકો માટે નોંધાયેલા તમામ ૫૧ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં સો ટકા મતદાન થયું છે. મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓને સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. આવતીકાલે સવારથી મતગણતરી હાથ ધરાશે.
ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ તરફથી મોહનભાઈ કુંડારિયા, મગનભાઈ વડાવિયા, જયંતીભાઈ રાજકોટિયા અને કાંતિલાલ અમૃતિયાની સાખ દાવ પર છે. બીજી તરફ કોંગ્રેસના લલિત કગથરા, નયન અઘારા અને મનોજ પનારાએ પરિવર્તન માટે પૂરી તાકાત લગાવી છે.
ઊંચા મતદાન બાદ બંને છાવણીઓ જીતના મક્કમ દાવા કરી રહી છે. હવે સહકારી મતદારોએ સહકાર પેનલ પર ફરી વિશ્વાસ મૂક્યો છે કે પરિવર્તનનો કોલ આપ્યો છે, તેનો ફેંસલો આવતીકાલે થશે. (પ્રવીણ વ્યાસ મોરબી અને જયેશ ભટાસણા ટંકારા)
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
