News of Tuesday, 13th October 2026
વિસાવદર શહેર–તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં સંગઠનના વિવિધ હોદ્દેદારોને જવાબદારીઓ સોંપાતા નિમણૂક પત્રો એનાયત
આગામી ચૂંટણી પૂર્વે અત્યારથી જ સક્રિયપણે કામે લાગી જવા નવ નિયુક્ત હોદ્દેદારોનો સંકલ્પ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત,સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે સંગઠનના વિવિધ હોદ્દેદારોને તેમની જવાબદારીઓ સોંપતા નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવી કોંગ્રેસ પક્ષના વિચારો અને નીતિઓને જન-જન સુધી પહોંચાડવા, લોકોના પ્રશ્નોને વાચા આપવા તેમજ સંગઠનની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સંગઠનની એકતા, કાર્યકર્તાઓની સક્રિયતા અને જનસેવાના સંકલ્પ સાથે વિસાવદર શહેર અને તાલુકામાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી સૌએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલે જણાવ્યું છે.
દરમિયાન વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ આનંદ પંડ્યાની યાદીમાં જણાવ્યા મુજબ વિસાવદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાયત્રી પ્લોટ ખાતે એક ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ આનંદ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર કારોબારીના નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂંક પત્રો એનાયત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રભારી શહેનાઝબેન બાબી, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ભરતભાઈ વિરડીયા, વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરીયા, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચંદ્રિકાબેન વાડોદરીયા તેમજ વિસાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રંજનભાઈ ડોબરીયાના વરદ હસ્તે શહેર કારોબારીના ઉપપ્રમુખો, મંત્રીઓ, મહામંત્રીઓ તથા વોર્ડના પ્રમુખોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિસાવદરની બે સેવાભાવી સંસ્થાઓ ગણપતિ ઉત્સવ સમિતિના સુરેશભાઈ સાદરાણી અને મેડિકલ સાધન સેવા કેન્દ્રના પ્રમુખ ચંદ્રકાંત ખુહાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિસાવદર શહેર પ્રમુખ આનંદ પંડ્યા દ્વારા હાજર રહેલા તમામ નવનિયુક્ત હોદ્દેદારો અને કાર્યકરોને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીને ભવ્ય વિજયી બનાવવા માટે અત્યારથી જ સક્રિય થઈને મહેનત કરવા હાકલ કરવામાં આવી હતી
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
