News of Saturday, 24th October 2026
કચ્છમાં ખનિજ ચોરી રોકવામાં મહેસૂલ તંત્ર મેદાને: કલેક્ટરે જાતે ગેરકાયદે રેતીનું ડમ્પર ઝડપી રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અનિલ રાણાવસિયાએ મેદાનમાં ઉતરી ખનિજ ચોરી પકડી પાડતાં તંત્રમાં ચર્ચા જાગી : કચ્છના ખાણ ખનિજ વિભાગની નિષ્ક્રિયતા ચર્ચામાં, ખનિજ માફિયાઓ સામે મહેસૂલી તંત્ર સતર્ક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : કચ્છ જિલ્લામાં ખનિજ ચોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે હવે મહેસૂલ તંત્ર સક્રિય બન્યું છે. ખાણ-ખનિજ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ખુદ કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ મેદાનમાં ઉતરી ખનિજ ચોરી પકડી પાડતાં તંત્રમાં ચર્ચા જાગી છે. મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાના ભેરૈયા પાટિયા નજીકથી બિનઅધિકૃત રીતે રોયલ્ટી ભર્યા વગર રેતી વહન કરી રહેલું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું હતું. મહેસૂલ તંત્ર દ્વારા વાહનને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન આશરે 25 ટન રેતી ભરેલું ડમ્પર સીઝ કરવામાં આવ્યું હતું. પકડાયેલા ડમ્પર નંબર GJ 27 TG 7402 અને તેમાં ભરેલા ખનિજ સહિત અંદાજે રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી માટે માંડવી મામલતદાર દ્વારા આગળની કાર્યવાહી સાથે મુદ્દામાલ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યો હતો.
કચ્છ જિલ્લામાં ખનિજ ચોરી રોકવા માટે ખાસ વ્યવસ્થા હોવા છતાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે સવાલો ઊઠતા રહ્યા છે. આવા સંજોગોમાં કલેક્ટર દ્વારા કરવામાં આવેલી સીધી કાર્યવાહીને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે ખનિજ ચોરી સામે તંત્ર કેટલું કડક વલણ અપનાવે છે અને સંડોવાયેલા તત્ત્વો સામે કેવી કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
