<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

મોરબીના બરવાળા પાસે રિક્ષાને અકસ્‍માત નડયોઃ સગર્ભા પત્‍નિને તેડવા જઇ રહેલા સાગરભાઇનું મોત

ઘુંટુ ગામના ૨૮ વર્ષના યુવાને રાજકોટ સારવારમાં દમ તોડયોઃ એક પુત્રએ અને જન્‍મલેનાર બાળકે પિતાની છત્રછાંયા ગુમાવીઃ દંતેસરીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૦: મોરબીના બરવાળા નજીક રિક્ષાને અકસ્‍માત નડતાં દહીંસરા ગામેથી સગર્ભા પત્‍નિને તેડવા જઇ રહેલા ઘુંટુ ગામના રિક્ષાચાલક યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના ઘુંટુ ગામે રહેતો સાગરભાઇ હીરાલાલ દંતેસરીયા (ઉ.વ.૨૮) નામનો યુવાન ગત સાંજે સાતેક વાગ્‍યે પોતાની સીએનજી રિક્ષા હંકારી ઘુંટુથી દહીંસરા ગામે સસરાના ઘરે જતો હતો ત્‍યારે રસ્‍તામાં બરવાળા ગામ પાસે પહોંચ્‍યો તે વખતે રિક્ષાને અકસ્‍માત નડતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. મોરબી સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોડી રાતે મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર સાગરભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો. સંતાનમાં એક દિકરો છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. સગાના કહેવા મુજબ સાગરભાઇના પત્‍નિ નીલમબેનને હાલમાં સારા દિવસો જઇ રહ્યા છે. તેણી માવતર દહીંસરા ગામે રોકાવા ગયા હોઇ સાગરભાઇ તેણીને તેડવા માટે જતો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.  કોઇ વાહનની ઠોકરે રિક્ષા ચડી ગઇ કે પલ્‍ટી ખાઇ ગઇ? તે અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:07 AM IST)