News of Saturday, 21st November 2026
કચ્છમાં ‘રોડ ટુ હેવન’ને ભૂલાવી દે એવો ‘રોડ ટૂ ઇન્ફિનિટી’: સફેદ રણમાં પ્રકૃતિની સુંદર સફરનો નવો અધ્યાય!પ્રવાસીઓ માટે નવું આકર્ષણ
સફેદ રણની અનંત ક્ષિતિજ વચ્ચે સર્પાકાર રસ્તો, સૂર્યોદય-સૂર્યાસ્તનાં મંત્રમુગ્ધ કરતા નયનરમ્ય દૃશ્યો, જાણો ક્યાંથી જવાશે રોડ ટુ ઇન્ફિનિટી?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ : ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ આ ઉક્તિને સાર્થક કરતું કચ્છ હવે પ્રવાસનનાં નવાં નજરાણાં સાથે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ધોરડોના સફેદ રણ અને ખાવડાથી ધોળાવીરા સુધીના ‘રોડ ટુ હેવન’ બાદ હવે એકલથી બાંભણકા સુધીનો ૨૫ કિલોમીટર લાંબો ‘રોડ ટુ ઇન્ફિનિટી’ પ્રવાસનનું નવું આકર્ષણ બની રહ્યો છે. સફેદ રણની વિશાળ ચાદર વચ્ચેથી પસાર થતો આ સર્પાકાર માર્ગ જાણે અનંત ક્ષિતિજ તરફ લઈ જતો હોય તેવો અદ્ભુત નજારો સર્જે છે. આશરે રૂ. ૧૩૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગના નિર્માણમાં વન વિભાગની મંજૂરી સહિત અનેક પડકારો આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ જરૂરી મંજૂરીઓ મેળવી વન્યજીવ સંબંધિત નિયમોનું પાલન કરીને માર્ગ સાકાર કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર એમ.એ. ટોપીવાલા અને ભચાઉના નાયબ કાર્યપાલક ઇજનેર જે.એમ. ટાંકે જણાવ્યું હતું કે, રણની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ મજબૂત બનાવાયો છે. પાણીના નિકાલ માટે ઠેરઠેર નાળાં, પ્રવાસીઓ માટે સેલ્ફી પોઇન્ટ અને ખારા પાણી તથા હવાથી માર્ગને નુકસાન ન થાય તે માટે બંને બાજુ સુરક્ષાત્મક દિવાલો બનાવવામાં આવી છે. રણની સપાટીથી આશરે ત્રણ મીટર ઊંચાઈ ધરાવતો આ માર્ગ પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવે છે. આ માર્ગની બંને બાજુ પથરાયેલી સફેદી, વચ્ચે પસાર થતો રસ્તો અને ક્ષિતિજ સુધી ફેલાયેલો રણપ્રદેશ પ્રવાસીઓને થોભીને કુદરતી સૌંદર્ય માણવા મજબૂર કરે છે. ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે અહીંનો નજારો અવિસ્મરણીય બની રહે છે. માર્ગથી સ્થાનિક લોકોને પણ મોટી રાહત મળી છે. એકલ એટલે એકલ માતાજીનું મંદિર. એકલથી બાંભણકા ૨૫ કિમી, ધોળાવીરાથી ૪૨ કિમી દૂર એકલ પહોંચી શકાય છે, જ્યારે ખાવડાથી ધોળાવીરા થઈ ૯૧ કિમી અંતર કાપી પહોંચી શકાય છે. જ્યારે બાંભણકાથી ભચાઉ ૭૦ કિમી, સૌરાષ્ટ્ર, ગુજરાતથી આવનાર સામખિયાળીથી આધોઇ, રામવાવ થઈને એકલ પહોંચી શકે છે જે અંતર ૮૫ કિમી જેટલું થાય છે. અગાઉ ખડીરના લોકોને ધોળાવીરાથી રાપર થઈ ભચાઉ પહોંચવા આશરે ૧૯૦ કિમીનો ફેરો કરવો પડતો હતો, જે હવે બાંભણકા-એકલ-ભરૂડીયા થઈને માત્ર ૮૬ કિમી જેટલો રહ્યો છે. આ માર્ગ સાકાર કરવામાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની મુખ્યમંત્રી સમક્ષની સતત રજૂઆતો પણ મહત્ત્વપૂર્ણ રહી હતી. આમ, ‘રોડ ટુ હેવન’ બાદ ‘રોડ ટુ ઇન્ફિનિટી’ કચ્છના પ્રવાસનને નવી ઓળખ આપી રહ્યો છે. સ્થાનિક લોકો માટે સુવિધા અને પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ આપતો આ માર્ગ આવનારા સમયમાં કચ્છના પ્રવાસનનું નવું આકર્ષણ બનવાની ક્ષમતા ધરાવે છે. અહીં રસ્તો માત્ર મંઝિલ સુધી પહોંચાડતો નથી, પરંતુ અનંત સફરની યાદગાર અનુભૂતિ પણ કરાવે છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
