News of Monday, 3rd August 2026
સુરતમાં પકડાયેલી લૂંટેરી દુલ્હન ગેંગે ગોંડલના યુવાન સાથે ૩.પ૦ લાખની છેતરપીંડી કરી'તી
લગ્ન બાદ ૯ દિવસ પત્ની બનીને રહી માસીના મોતનું બહાનુ બતાવી છૂ થઇ ગઇ'તી : લૂંટેરી દુલ્હન સહિત ૪ સામે ગુન્હો નોંધાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩: ગોંડલ શહેરના કોટડા સાંગાણી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા એક યુવક સાથે લુંટેરી દુલ્હન ગેંગ દ્વારા રૂ. ૩.૫૦ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના માત્ર ૯ દિવસ બાદ જ નવવધૂ માસીનું મરણ થઈ ગયું છે તેવું બહાનું કાઢીને સોનાના દાગીના અને રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. સુરત કાપોદ્રા પોલીસના હાથે આ ગેંગ ઝડપાતાં ભોપાળું છતું થયું હતું, જેના આધારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ બનાવ ગોંડલના કોટડા સાંગાણી રોડ સ્થિત રોયલ પાર્ક-૦૧ ખાતે બન્યો હતો. જેમાં ઠગ ગેંગ દ્વારા રૂ. ૩,૦૦,૦૦૦ રોકડા અને રૂ. ૫૦,૦૦૦ના સોનાના દાગીના મળીને કુલ રૂ. ૩.૫૦ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ગોંડલ સીટી પોલીસે બી.એન.એસ. (BNS) કલમ ૩૧૮(૪) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ અનુસાર, ગોંડલમાં ઈલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરતા વિમલભાઈ રમણીકભાઈ મોવલીયા (ઉં.વ. ૩૮) ઉંમર વધી ગઈ હોવાથી લગ્ન માટે કન્યા શોધતા હતા. આ દરમિયાન તેમના માસિયાઈ ભાઈ મારફતે સુરતના દલાલ જયેશ પટેલ સાથે સંપર્ક થયો હતો. દલાલ જયેશ પટેલે પોતાના ઓળખીતા રાહુલભાઈની સાળી પ્રણાલીનો ફોટો બતાવી લગ્ન કરાવવાના બદલામાં રૂ. ૩ લાખની માંગણી કરી હતી.
ત્યારબાદ રાહુલ, તેની પત્ની સપનાબેન, દલાલ જયેશ પટેલ અને છોકરી પ્રણાલી ગોંડલ આવ્યા હતા અને લગ્ન નક્કી કર્યા હતા. ગત તા. ૨૦/૦૭/૨૦૨૫ના રોજ વિમલભાઈ તેમના પરિવાર સાથે સુરત ખાતે જઈ વાસદા ગામે એક મકાનમાં ફુલહાર વિધિથી લગ્ન કર્યા હતા. લગ્ન સમયે રાહુલના હાથમાં રોકડા રૂ. ૩,૦૦,૦૦૦ આપ્યા હતા અને પ્રણાલીને સોનાનો દાણો, કાનની બુંટી તથા સોનાનો પેન્ડલ સેટ (કિંમત રૂ. ૫૦,૦૦૦) પહેરાવ્યા હતા.
લગ્ન બાદ પ્રણાલી ગોંડલ ખાતે પતિ સાથે રહેવા આવી હતી. નવેક દિવસ બાદ (તા. ૨૯/૦૭/૨૦૨૫ના રોજ) ફરિયાદી યુવક કામ અર્થે બહાર ગયો હતો ત્યારે પ્રણાલીએ ફોન કરીને જણાવ્યું કે, મારા માસી મરણ ગયેલ છે અને તેમને નાગપુર લઈ જવાના છે, જેથી હું જાઉં છું. યુવકે રાહ જોવાનું કહેવા છતાં તેણે ફોન કટ કરી સ્વિચ ઓફ કરી દીધો હતો. યુવકે સુરત જઈ તપાસ કરતા માસી ઘરે હાજર હતા અને આખી ગેંગ ગાયબ હતી.
છેતરપિંડી થયાની શંકા બાદ યુવક શોધખોળ કરી રહ્યો હતો. દરમિયાન ફરિયાદીની બહેને ન્યૂઝ પેપરમાં અને ઈન્સ્ટાગ્રામ પર કાપોદ્રા (સુરત) પોલીસ સ્ટેશનનો એક વિડીયો જોયો હતો. જેમાં આ જ પ્રણાલી અને તેનો બનેવી રાહુલ (જેનું સાચું નામ હિતેશ કાપડીયા છે) લુંટેરી દુલ્હનના ગુનામાં પકડાયેલા જોવા મળ્યા હતા. આથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની ખાતરી થતાં ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
હિતેશભાઈ ઉર્ફે રાહુલભાઈ રતીલાલ કાપડીયા કાપોદ્રા (સુરત) / શિવ નગર, ગુંજન ચોકડી, વાપી (વલસાડ), સપનાબેન હિતેશભાઈ ઉર્ફે રાહુલભાઈ કાપડીયાકાપોદ્રા (સુરત)/વાપી (વલસાડ), જયેશભાઈ પટેલ (દલાલ)ગામ-વાસદા, જી. સુરત, પ્રણાલી ઉર્ફે પ્રિયા ગણેશભાઈ પટેલ (દુલ્હન)ગૌતમ નગર, નાગપુર પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
