News of Monday, 22nd June 2026
મોરબી વજેપરમાં મિત્રના ડખ્ખામાં રોહિત બાંભણીયા પર છરીથી હુમલો
તારો ભાઇબંધ ખોડો ક્યાં ગયો? તું કેમ એની સાથે બેસે છે? કહી જગદીશ અને દીપ તૂટી પડયાઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૨: મોરબીના વજેપરમાં રહેતો યુવાન રાતે ઘર નજીક બે મિત્રો સાથે મંદિર પાસે બેઠો હતો ત્યારે એક મિત્ર જતો રહ્યા બાદ તેની સાથે જેને ડખ્ખો ચાલે છે એ શખ્સ અને બીજો એક શખ્સ આવ્યા હતાં અને આ યુવાનને તારો મિત્ર ક્યાં ગયો? તું કેમ તેના ભેગો બેસે છે? કહી ગાળો દઇ છરીથી હુમલો કરી વાંસા, સાથળમાં ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.જાણવા મળ્યા મુજબ મોરબી વજેપર-૧માં રહેતો રોહિત જગદીશભાઇ બાંભણીયા (ઉ.વ.૧૯) રાતે એકાદ વાગ્યે ઘર નજીક આવેલા શ્રીખોડીયાર માતાજીના મંદિર પાસે તેના મિત્ર ખોડા અને અન્ય એક મિત્ર સાથે બેઠો હતો. થોડીવાર પછી ખોડો જતો રહ્યો હતો. ત્યારબાદ જગદીશ અને દીપ નામના શખ્સો આવ્યા હતાં. તેણે રોહિતને તારો ભાઇબંધ ખોડો ક્યાં ગયો? તું કેમ એની સાથે બેસે છે? કહી ગાળો દેતાં રોહિતે ગાળો બોલવાની ના પાડતાં આ બંને ઉશ્કેરાઇ ગયા હતાં અને છરીથી હુમલો કરી વાંસા, સાથળમાં ઘા મારી દેતાં દેકારો બોલી જતાં બીજા લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.
રોહિતને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ એસ. વી. જોરાએ મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. રોહિત બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને મંડપ સર્વિસનું કામ કરે છે. તેના કહેવા મુજબ તેના મિત્ર ખોડા સાથે જગદીશને કોઇ કારણે અગાઉ માથાકુટ થઇ હોઇ તેનું મનદુઃખ ચાલે છે. પોતે મિત્ર ખોડા સાથે બેઠો હતો તેના ખાર રાખી હુમલો કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
