તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
કચ્છના સામખિયાળીમાં રૂ. ૫૧ હજારના હેરોઈન સાથે શખ્સ ઝડપાયો: મોડવદરમાં ૧૨ હજારના ગાંજા સાથે દુકાનદાર ઝડપાયો
ઢાબામાંથી હેરોઇન લેનાર ઝડપાયેલા શખ્સને નશાની લત; ઢાબા બાદ કરિયાણાની દુકાનમાં માદક પદાર્થનું વેચાણ, બંને ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : કચ્છમાં નશાના કારોબાર સામે પોલીસે બે અલગ-અલગ કાર્યવાહી કરી હતી. સામખિયાળી ટોલ પ્લાઝા નજીક કારમાંથી રૂ. ૫૧,૨૦૦ની કિંમતનું ૨.૫૬ ગ્રામ હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું હતું. જ્યારે અંજારના મોડવદરમાં કરિયાણાની દુકાનમાંથી રૂ. ૧૨,૯૫૦નો ગાંજો મળી આવ્યો હતો. સામખિયાળી ટોલ પ્લાઝા નજીક સર્વિસ રોડ પર હેરોઈન હોવાની બાતમીના આધારે પોલીસે જીજે-૧૨-એફઈ-૭૪૪૪ નંબરની કાર અટકાવી તપાસ કરતાં તેમાંથી ૨.૫૬ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. કારમાં સવાર મૂળ સુથરીના અને હાલે માધાપરમાં રહેતા અભયરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાને પોલીસે ઝડપી પાડ્યો હતો. એફએસએલની તપાસમાં પણ પદાર્થ માદક હોવાનું જણાયું હતું.
પોલીસે હેરોઈન ઉપરાંત કાર, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ અને રોકડ સહિત કુલ રૂ. ૫,૬૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીએ નશાની લત હોવાથી નાની ચિરઈ નજીકના ઢાબા સંચાલક પ્યારેસંગ પાસેથી હેરોઈન ખરીદતો હોવાનું જણાવ્યું હતું. હાલ પણ રૂ. ૧૫ હજારના ૩ ગ્રામ હેરોઈન ખરીદ્યા હોવાનું અને તેમાંથી થોડા જથ્થાનું સેવન કર્યું હોવાનું તેણે કબૂલ્યું હતું. પોલીસે ઢાબા માલિક પ્યારેસંગને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
બીજી તરફ અંજારના મોડવદર ગામ નજીક શ્રીદત્ત ઇન્ડિયા કંપની પાસે આવેલી શ્રી મુરલીધર કિરાણા સ્ટોરમાં પોલીસે દરોડો પાડી વરસામેડી ગામના લાલજી તેજા ચાવડાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. ૧૨,૯૫૦નો ગાંજો કબજે કરાયો હતો. તપાસમાં દુકાન મનિષ માદેવા ચાવડાએ ભાડે રાખી હોવાનું અને મનિષ બહાર હોવાથી તેનો કાકા લાલજી દુકાનમાં ગાંજાનું વેચાણ કરવા જથ્થો રાખતો હોવાનું બહાર આવ્યું હતું. આ ગાંજો તેને ગાંધીધામ રેલવે મથક નજીક ૨૨થી ૨૫ વર્ષના એક હિન્દીભાષી શખ્સે આપ્યો હોવાનું સામે આવતાં પોલીસે ગાંજો આપનાર શોધખોળ શરૂ કરી છે. કચ્છમાં હાઇવે ઉપરના ઢાબા બાદ ફેક્ટરીઓની કામદાર વસાહતોની બહાર આવેલી દુકાનો ઉપર માદક પદાર્થો વેંચવાની પ્રવૃત્તિ તેમ જ સ્થાનિકે યુવાનોમાં ઘૂસતી નશાની લત સમાજ માટે લાલબત્તી સમાન છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
