News of Friday, 27th November 2026
સામખિયાળી પોલીસનો સપાટો: સુરજબારી ચેકપોસ્ટ ઉપર કારમાંથી રૂ. ૩.૪૩ લાખનો દારૂ ઝડપાયો
ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કારની ડેકીમાં છુપાવાયો હતો, રાધનપુરના બે શખ્સ ઝડપાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના સામખિયાળી પોલીસ મથક હેઠળની સુરજબારી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે સફેદ મારુતિ સિયાઝ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે શખ્સોને પકડી કુલ રૂ. ૩,૪૩,૭૭૮નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે કારની તલાશી લેતાં તેની ડેકીમાં છુપાવેલી રોયલ સ્ટેગ ડીલક્સ વ્હિસ્કીની ૭૫૦ એમએલની ૨૩ બોટલ અને કિંગફિશર રિગલ સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના ૫૦૦ એમએલના ૧૪૪ ટીન મળી આવ્યાં હતાં. આ ગુનામાં પોલીસે સંજયભાઈ રતાભાઈ ચૌધરી (રહે. પૂર્વી પાર્ક સોસાયટી, મુન્દ્રા, મૂળ નાનાપુરા, તા. રાધનપુર, જિ. પાટણ) અને રાણુભા કનુભા પરમાર (રહે. મોટા કપાયા, તા. મુન્દ્રા, મૂળ મોટી પીપળી, તા. રાધનપુર, જિ. પાટણ)ને ઝડપી પાડ્યા હતા. દારૂ-બિયરની બોટલો અને ટીન ઉપરાંત મારુતિ સિયાઝ કાર તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૩,૪૩,૭૭૮નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ સામખિયાળી પોલીસ સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી હતી.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
