<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

નાવા ગામમાં ખનીજ ચોરી કરતા સરપંચ ઝડપાયા

ચોટીલા- થાનમાં ગેરકાયદે ખનન ઉપર મોટી રેડઃ મોડી રાત્રે ગુપ્‍ત ઓપરેશનથી અનેક ભાગી ગયાઃ જવાબદારનું જ નામ બહાર આવતા ખળભળાટ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૦: ચોટીલા અને થાન વિસ્‍તારમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી અને ગૌચરની જમીનો પર મોટા પાયે ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની વ્‍યાપક ફરિયાદો મળી રહી હતી  આ માધ્‍યમોની કડીઓ જોડીને ડેપ્‍યુટી કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની મહેસૂલ ટીમે મોડી રાત્રે ગુપ્ત આયોજન કરીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું નાવાગામમાં દરોડા દરમિયાન ગામના સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનીજનું ખનન કરતા ઝડપાયા હતા. જ્‍યારે ગુગલીયાણા ગામમાં કાનાભાઈ બાથાભાઈ રાઠોડ ગેરકાયદે ખનીજચોરી કરતા ઝડપાયા હતા.

આ અચાનક કાર્યવાહીથી ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં અને થાનના ઔદ્યોગિક પંથકની આસપાસ કાળી માટી અને પથ્‍થરોનું ગેરકાયદેસર ઉત્‍ખનન કરતા તત્‍વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પહાડી વિસ્‍તારોનો લાભ લઈને કેટલાક શખ્‍સો ભાગી છૂટયા હતા.

સરકારી વીડમાંથી મોટા પાયે વાહનો અને મશીનરી રેડ હેન્‍ડેડ ઝડપી પાડવામાં આવ્‍યા છે . પ્રશાસન દ્વારા સ્‍થળ પરથી ખનન માટે ઉપયોગમાં લેવાતા ૨ મોટા લોડર મશીન અને ૩ ટ્રેક્‍ટરો સહિતના વાહનો સીઝ કરવામાં આવ્‍યા છે.

અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, જપ્ત કરાયેલા વાહનો અને ખનિજ ભરેલી ટ્રેક્‍ટરોની કુલ અંદાજિત કિંમત ૪૮ લાખ રૂપિયા જેટલી થાય છે. આ તમામ મુદ્દામાલને સ્‍થાનિક પોલીસ સ્‍ટેશન અને મામલતદાર કચેરી ખાતે કસ્‍ટડીમાં રાખવામાં આવ્‍યો છે અને તેના માલિકો વિરુદ્ધ પ્રાદેશિક ખનિજ કાયદા હેઠળ કડક સીઝર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્‍યો છે.આ સમગ્ર ગેરકાયદેસર ખનન ઓપરેશનમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્‍યારે આવ્‍યો જ્‍યારે તપાસ દરમિયાન નાવા ગામના સ્‍થાનિક સરપંચ લાભુભાઇ અઘારાનું નામ સત્તાવાર રીતે સામે આવ્‍યું છે  ગ્રામીણ જમીનોની સુરક્ષા કરવાની જવાબદારી જેમના શિરે છે, તે જ સરપંચની કથિત સંડોવણી બહાર આવતા સ્‍થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પ્રાંત અધિકારીની ટીમે બંને સ્‍થળે થયેલા ગેરકાયદે ખનનની માપણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. માપણીના આધારે ખનન કરાયેલા ખનીજના જથ્‍થાનો અંદાજ લગાવી સંબંધિત આરોપીઓ સામે ખનિજ નિયમો મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ગેરકાયદે ખનન પાછળ અન્‍ય કોઈ વ્‍યક્‍તિઓ અથવા સંગઠિત નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગના અધિકારીઓએ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે કે સરપંચ માત્ર મશીનરી ભાડે આપતા હતા કે આ આખા કૌભાંડના મુખ્‍ય ભાગીદાર હતા. પંચાયત એક્‍ટ અને સરકારી પદના દુરુપયોગની જોગવાઈઓ હેઠળ પણ તેમની સામે ખાતાકીય પગલાં લેવા માટેનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી (ઝઝબ્‍) ને મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

(10:49 AM IST)