તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 17th November 2026
ચોટીલાના કાળાસર ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા
સરકારી જમીન પર આશરે ૩૦૦૦ ચો.મી. વિસ્તારમાં પાકું મકાન અને પશુઓ માટેના ઢાળિયા બનાવ્યાનો મામલોઃ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૭: કાળાસર ગામના સર્વે નંબર ૧૨૦, ૫૫ અને ૬૦ની જમીનને લગતા મામલે સરપંચ સામે ફરિયાદો અને અહેવાલોના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સર્વે નંબર ૧૨૦ની સરકારી જમીન પર આશરે ૩૦૦૦ ચોરસ મીટર જેટલા વિસ્તારમાં પાકું મકાન તથા પશુઓ માટે ઢાળિયા અને બગિયા બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ બાંધકામ છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
આ મામલે નાયબ કલેક્ટર, પ્રાંત ચોટીલાના અહેવાલ તેમજ તાલુકા વિકાસ અધિકારીના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરપંચ મનસુખભાઈ ધોરાળીયાને કારણદર્શક નોટિસ આપી પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી. આ દરમિયાન જુદી જુદી તારીખે સુનાવણી યોજાઈ હતી અને સરપંચ દ્વારા લેખિત જવાબ પણ રજૂ કરવામાં આવ્યો હતો.
સરપંચ દ્વારા પોતાના બચાવમાં કાળાસર ગામમાં નવા ગામતળને મંજૂરી મળેલી હોવાનો તથા જે જમીન પર બાંધકામ કરવામાં આવ્યું છે તે ગામતળ વિસ્તારની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, મહેસૂલી રેકોર્ડ અને સંબંધિત અધિકારીઓના અહેવાલોના આધારે સર્વે નંબર ૧૨૦ની જમીન સરકારના નામે હોવાનું તેમજ સર્વે નંબર ૫૫ અને ૬૦ની જમીન ગ્રામ પંચાયતના ગૌચર તરીકે નોંધાયેલી હોવાનું સ્પષ્ટ થયું હતું.
જિલ્લા વિકાસ અધિકારીના હુકમમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ અને સરપંચ તરીકેની સત્તાના દુરુપયોગની બાબતને ગંભીર ગણી ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ની કલમ ૪૯(૧) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આમ, સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા. ૦૫/૧૧/૨૦૨૫ના રોજ હુકમ કરી મનસુખભાઈ નાનુભાઈ ધોરાળીયાને કાળાસર ગ્રામ પંચાયતના સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આગામી નજીકના દિવસોમાં ફરી નવી સરપંચ પદની ચૂટણી આવનાર છે તેવા સમયે ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં સરકારી જમીન પરના દબાણ અને સરપંચ સામે થયેલી આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર દબાણ સામે તંત્રની જવાબદારી અને કડક કાર્યવાહીની ચર્ચા ફરી એકવાર કેન્દ્રસ્થાને આવી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
