News of Saturday, 12th September 2026
સોમવારથી સૌરાષ્ટ્ર-કચ્છ ગણેશમય : ગલીએ ગલીએ ગુંજશે ગજાનંદ મહારાજનો જયઘોષ
રાજકોટ શહેરમાં ઠેરઠેર મંડપોમાં ગણપતિ મહારાજની સ્થાપના કરાશેઃ ગામે ગામ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓને પ્રાધાન્ય ; ૧૦ દિવસ સુધી આરતી, મહાપ્રસાદ, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ, તા.૧૨: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં સોમવારથી ગણપતિ મહોત્સવનો સોમવારથી ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે શહેરના ચોકે-ચોક અને ગામડે-ગામડે ગણપતિ દાદાની આકર્ષક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. તહેવારને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ૧૫૦ ફૂટ રિગ રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં મંડપોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. કુંભારવાડા ખાતે છેલ્લા બે દિવસથી મૂર્તિ લેવા માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી રહી છે. આ વખતે મોટાભાગના મંડળોએ પર્યાવરણના જતન માટે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓને પ્રાધાન્ય આપ્યું છે.
ગણપતિ મહારાજના મહોત્સવના ૧૦ દિવસ દરમિયાન દરરોજ સવાર-સાંજ ગણપતિ બાપ્પાની મહાઆરતી, ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. રાત્રિના સમયે સ્થાનિક ભજન મંડળીઓ દ્વારા ધૂન-ભજન, કીર્તન અને બાળકો તથા મહિલાઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, ભુજ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ઉત્સવની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ તંત્ર દ્વારા દરેક મોટા મંડપ પર CCTV અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
