News of Tuesday, 7th July 2026
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સિકયુરિટી સુપરવાઇઝર ACBની લપેટમાં આવી ગયાઃ કર્મચારી અંગે તપાસ તેજ
સિકયુરિટીમાં કર્મચારી પાસેથી દર મહિને નોકરી એ રાખવા પાછળ હપ્તા લેતા હોવાનો ધડાકોઃ૨૮ કર્મચારીઓના નિવેદન લઇ એસીબી વિભાગ દ્વારા કડક તપાસ શરૂ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૭: સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સિકયુરિટી ના કોન્ટ્રાક્ટર માં જે કે સિકયુરિટી એજન્સી રાજકોટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વિનોદ કિશોરભાઈ પરમારને એસીબી વિભાગ દ્વારા રૂપિયા લેતા ઝડપી લેવામાં આવ્યો છે અને નોકરી આપવા મુદ્દે અને નોકરી ઉપર રાખવા મુદ્દે ૨૦૦૦ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી આ અંગે એસીબી વિભાગ દ્વારા ગુનો દાખલ તો કરવામાં આવ્યો છે પરંતુ હવે આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
વિનોદ કિશોરભાઈ પરમાર પોતે પટાવાળામાં અને સિકયુરિટીના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો અને આ કોન્ટ્રાક્ટ જે કે સિકયુરિટી એજન્સી રાજકોટનો હોવાનું સામે આવ્યું છે ત્યારે ૨૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા બાદ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ સુપરવાઇઝર દ્વારા કરવામાં આવેલા કાંડ મુદ્દે વધુ તપાસ શરૂ કરી અને અનેક પ્રકારના ધડાકાઓ થયા છે.
જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બગીચા વિભાગ પાણી પુરવઠા વિભાગની ઓફિસો અને મહાનગરપાલિકામાં આવતી ઓફિસોમાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા કર્મચારી પાસે ઝડપાયેલો સુપરવાઇઝર ૧૦૦૦ રૂપિયા થી લઈ અને ૨૦૦૦ સુધીની લાંચ લેતા હોવાનું બહાર આવ્યું હતું અને નોકરીએ ચાલુ રાખવામાં અને સારી જગ્યાએ નોકરી આપવા માટે દર મહિને હપ્તા પણ લેતા હોવાનું સામે આવ્યું હતું.
ત્યારે આ અંગે એસીબી વિભાગ દ્વારા તમામ ૨૮ કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટ એજન્સીના વડાને બોલાવી અને તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નોકરી આપવા માટે અને સારી જગ્યાએ નોકરી આપવા માટે તેમજ નોકરી ઉપર ટકાવી રાખવા છૂટા નહીં કરવા બાબતે દર મહિને હપ્તા લેતા હોવાનું પણ ભાંડ ખુલવા પામ્યો છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
