<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં ભાજપાના સિનિયર આગેવાન-રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ. કે. જાડેજાના જન્મદિવસે સેવાકીય કાર્યક્રમોનો માહોલ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત

ઘાટ દરવાજાથી ભગવતધામ ગુરુકુળ સુધીના રોડનું નામકરણ : સંતગણના આશીર્વાદ મેળવ્યા : જગદીશ વિશ્વકર્માએ કહ્યું - ‘સેવા’ એ જ ભાજપના દરેક કાર્યકર્તાની સાચી ઓળખ અને સંસ્કાર

અમદાવાદ તા.૧૭ : ભાજપાના સિનિયર આગેવાન અને રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી  આઈ. કે. જાડેજાના જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ  જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે ઘાટ દરવાજાથી ભગવતધામ ગુરુકુળ સુધીના રોડના નામકરણનો પ્રસંગ પણ યોજાયો હતો. શ્રી વિશ્વકર્માએ ઉપસ્થિત સંતગણના આશીર્વાદ મેળવ્યા હતા અને આઈ. કે. જાડેજાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

આ પ્રસંગે શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, ‘સેવા’ એ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાની સાચી ઓળખ અને સંસ્કાર છે. આ જ સેવાભાવનાને ચરિતાર્થ કરતાં વરિષ્ઠ સાથી શ્રી આઈ. કે. જાડેજાજીએ પોતાના જન્મદિવસની ઉજવણીને માનવસેવાના ઉમદા કાર્યો અર્થે સમર્પિત કરી છે.

 

જન્મદિવસની ઉજવણીને માત્ર ઔપચારિકતા ન બનાવતા સેવા કાર્યો સાથે જોડીને આઈ. કે. જાડેજાએ સમાજને નવી પ્રેરણા આપી છે, તેમ પણ વિશ્વકર્માએ ઉમેર્યું હતું. ધાંગધ્રામાં યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:43 PM IST)