તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
કચ્છમાં દારૂ-ડ્રગ્સના વધતા દુષણ સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપો: સરહદી વિસ્તારમાં નશાના વધતા કારોબારથી યુવા પેઢી અને પરિવારો પર ગંભીર અસરો
ગૃહમંત્રી અને પોલીસ કડક કાર્યવાહી કરે એવી માંગ, નશાના દૂષણ સામે ભાજપના આગેવાનોની ચુપકીદી સામે સવાલો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : કચ્છ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સના વધતા દુષણને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા તંત્ર અને પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, પરપ્રાંતીય મજૂરો અને સ્થાનિક યુવાનોમાં નશાનું વ્યસન વધી રહ્યું છે, જેના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. ક્યાંક મહિલાઓ વિધવા બની રહી છે તો ક્યાંક બાળકો પિતાની છત્રછાયા ગુમાવી રહ્યાં છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દારૂબંધી હોવા છતાં બહારથી મોટા પ્રમાણમાં દારૂ કચ્છમાં આવી રહ્યો છે, પરંતુ બુટલેગરો સામે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થતી હોવાની સ્થિતિ છે. પોલીસ કડક કામગીરી કરે તો કચ્છમાં દારૂનું વેચાણ અટકાવી શકાય તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. નશાના વ્યાપક દૂષણ અંગે ગૃહમંત્રીને જાણ હોવા છતાં અસરકારક પગલાં લેવાતાં ન હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. વધુમાં, હાઈવે પર નશાની હાલતમાં વાહન ચલાવવાને કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોવા છતાં પૂરતી કડક કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ કરાયો હતો. દારૂના દૂષણ સામે જનતા રેડ કરે તો જનતા સામે ખોટા કેસો કરવામાં આવે છે. ખરેખર તો દારૂ પકડાય તેવા વિસ્તારોમાં સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જવાબદારી નક્કી કરવાની માંગ સાથે તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે દારૂના કેસોમાં માત્ર નાના આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવાં જોઈએ. જિલ્લામાં દારૂના વેચાણને રોકવા માટે દરેક પોઇન્ટ પર પોલીસની જવાબદારી નક્કી કરી કડક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
