News of Saturday, 14th November 2026
સાયલા પંથકમાં હોટલમાં અગાઉ થયેલી બોલાચાલી બાબતે યુવક ઉપર ગંભીર હૂમલો

વઢવાણ તા. ૧૪: સાયલા તાલુકામાં હોટલમાં થયેલી બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ યુવક પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકના જડબાનું હાડકું ફ્રેક્ચર થયું છે અને માથામાં હેમરેજ થયું હોવાનું સીટી સ્કેનમાં સામે આવ્યું છે.
ફરિયાદ મુજબ રામપરા દરવાજા વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષીય રવિરાજસિંહ સુરુભા વાઘેલા તેમના કાકા હરદેવસિંહ બહાદુરસિંહ સાથે માસાને મળવા નીકળ્યા હતા. ૯ નવેમ્બરે રાત્રે આશરે ૧ વાગ્યે તેઓ આર.આર. હોટલ સામે આવેલી યુપી-બિહાર ઢાબા હોટલ પહોંચ્યા હતા.
ત્યાં હોટલના મેનેજર રાજુભાઈ સાથે અગાઉની વાતને લઈને બોલાચાલી થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ દરમિયાન મુકેશભાઈ ઝાલા સહિત અન્ય બે શખ્સો ત્યાં આવ્યા હતા. ત્રણેયે લાકડાના ધોકા અને લોખંડના પાઇપથી રવિરાજસિંહ પર હુમલો કર્યો હતો.
હુમલામાં રવિરાજસિંહના માથાની ડાબી અને જમણી બાજુએ ઈજા થઈ હતી. જડબા અને ડાબા હાથ પર પણ માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ શરીરના અન્ય ભાગો પર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ઈજાગ્રસ્તને પહેલાં સાયલા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન માથામાં ટાંકા લેવા પડ્યા હતા.
રવિરાજસિંહ વાઘેલાની ફરિયાદના આધારે ચૂડા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. એન.જે. કેસેલાએ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી છે. પોલીસ હુમલાનું કારણ અને તેમાં સામેલ શખ્સોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
