<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

વિસાવદરનાં રબારીકા ગામે ખેતરમાં પાણી વાળતા પ્રોઢ પર સિંહણે હુમલો કરતા ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ

હિંસક પ્રાણીઓના હુમલાના આવા બનાવો સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યા :વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર તાલુકાનાં રબારીકા ગામમાં ખેડૂત પર સિંહણના હુમલામાં ખેડૂતનું મોત થયાનુ જાણવા મળે છે. વિસાવદરના રબારીકા ગામમાં ખેતરમાં કામ કરતા ૫૫ વર્ષીય ખેડૂત પર સિંહણનો જીવલેણ હુમલો, ઘટનાસ્થળે મોત બાદ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા છે.
વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં ખેતીકામ દરમિયાન સિંહણે હુમલો કરતા ૫૫ વર્ષીય આધેડ ખેડૂતનું કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને રબારીકા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
૫૫ વર્ષના આધેડ ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતનું મોત થયું હતું, જેના પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
વિસાવદરનો આ વિસ્તાર ગીરના જંગલ નજીક આવેલો વિસ્તાર છે, જ્યાં અગાઉ પણ વન્યજીવો અને હિંસક પ્રાણીઓના હુમલાઓના અનેક બનાવો બનેલા છે. ગીરની સરહદ નજીક હોવાથી ખેતરો અને રહેણાંક વિસ્તારો આસપાસ વન્યજીવોની અવરજવર સતત રહેતી હોય છે, અને હિંસક પ્રાણીઓના હુમલાના આવા બનાવો સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યા છે.
બનાવની જાણ થતા જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે, જ્યારે વિસ્તારમાં સિંહ અને હિંસક પ્રાણીઓના હુમલાની વધતી જતી ઘટનાઓ ગ્રામજનો તથા ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક બની છે.
વિસાવદરની સેવાભાવી સંસ્થા ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણીના જણાવ્યા અનુસાર વિસાવદરનાં રબારીકા ગામે વેલજીભાઇ નાગજીભાઈ (ઉ.વ.૫૫) વાડીએ પાણી વાળતા હતા ત્યારે સિંહણે ગંભીર હુમલો કરતા ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક તારણ છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયે મૃતદેહને સંસ્થાની શબવાહિનીમા રબારીકા પહોંચડવાની વ્યવસ્થા કરવામાં આવી છે

(11:17 PM IST)