News of Tuesday, 28th April 2026
જામનગર મનપા વોર્ડ ૧૨માં ચોંકાવનારૂં પરિણામઃ ભાજપનું ખાતું ન ખુલ્યું, AAP-કોંગ્રેસને બે-બે બેઠકો
જેલમાંથી ચૂંટણી લડેલા AAPના અસ્લમ ખિલજી અને કોંગ્રેસના અલ્તાફ ખફી વિજેતા; ત્રિકોણીય જંગમાં મતદારોનું વિખરાયેલું મતદાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૨ અનોખા પરિણામો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વોર્ડમાં ભાજપનું ખાતું ખુલ્યું નથી, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બે-બે બેઠકો જીતી સમતોલ સ્થિતિ સર્જી છે. જેલમાંથી લડીને જીત્યા બે ઉમેદવારર્ઃં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસ્લમ ખિલજી, જે અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને હાલ જેલવાસ ભોગવી રહ્યા છે, તેઓ ચૂંટણી જીતી ગયા છે. તેમની સાથે એડવોકેટ જૈનબબેન ખફી પણ AAP તરફથી વિજેતા બન્યા છે.
બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફી, જે ગુજસીટોક કેસમાં આરોપી છે અને હાલ જેલમાંથી જ ચૂંટણી લડી રહ્યા હતા, તેઓ પણ વિજેતા બન્યા છે. તેમની સાથે સહારાબેન મકવાણાએ પણ કોંગ્રેસ તરફથી જીત મેળવી છે. વોર્ડ નંબર ૧૨ના આ પરિણામોએ શહેરની રાજકીય પરિસ્થિતિમાં અલગ જ સંકેતો આપ્યા છે.
સમગ્ર મહાનગરપાલિકામાં ભાજપે ૪૪માંથી ૪૪ બેઠકો જીતી ક્લીન સ્વીપ કર્યો છે, ત્યારે એકમાત્ર વોર્ડ ૧૨માં ભાજપનું ખાતું ન ખુલવું ચર્ચાસ્પદ બન્યું છે.
ત્રિકોણીય મુકાબલામાં મતદારોના વિખરાયેલા મતદાનનો આ વોર્ડમાં સ્પષ્ટ પરિચય મળ્યો છે. AAP અને કોંગ્રેસ બંને માટે આ જીત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
