News of Wednesday, 16th September 2026
જુનાગઢની નોબલ યુનિવર્સિટીના શુટીંગ સ્ટાર કુલદીપ પંડયાનો વેસ્ટ ઝોનમાં શાનદાર સિદ્ધિ
ડિસેમ્બરમાં યોજાનારી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬: નોબલ યુનિવર્સિટી, જૂનાગઢના રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના વિદ્યાર્થી કુલદીપ પિયુષભાઈ પંડયાએ ગોવા ખાતે યોજાયેલી ૧૩મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં ઉત્કળષ્ટ પ્રદર્શન કરી નેશનલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરીને યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.
નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ ૩ થી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગોવા ખાતે યોજાઈ હતી, જેમાં વેસ્ટ ઝોનના પ્રતિભાશાળી શૂટરોએ ભાગ લીધો હતો. કુલદીપ પંડયાએ ૫૦ મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં ૬૦૦માંથી શાનદાર ૫૬૮ પોઇન્ટ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ નોંધપાત્ર સ્કોર સાથે તેણે ડિસેમ્બર ૨૦૨૬માં યોજાનારી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે. કુલદીપની આ સિદ્ધિ નોબલ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે અને રમતગમત ક્ષેત્રે યુનિવર્સિટીની સતત વધી રહેલી પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે. તેની એકાગ્રતા, શિસ્ત, મહેનત અને રમત પ્રત્યેના સમર્પણે હવે તેને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા સાબિત કરવાની તક અપાવી છે. આ સિદ્ધિ પાછળ કુલદીપની સખત મહેનતની સાથે રાજશાખા રાઇફલ ક્લબ, જૂનાગઢના શૂટિંગ કોચ હિરેન ખૂંટીના તાલીમ અને માર્ગદર્શન તેમજ યુનિવર્સિટીના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેચા તથા સ્પોર્ટ્સ ડિરેક્ટર શ્રી આકાશ પૂજારી ના સતત માર્ગદર્શન અને પ્રેરણાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ નોબલ યુનિવર્સિટીનાં પ્રમુખ ડો. નિલેશભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખશ્રી ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, સંસ્થાના કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા તેમજ સંસ્થાના કુલપતિ ડો. એચ.એન. ખેર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે તેમ સંસ્થાના રજિસ્ટ્રાર અને ડીન ડો. જય તલાટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
