News of Monday, 13th July 2026
જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના આદેશથી SITની રચના અને બે અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં
વેરાવળમાં ફરજ દરમિયાન એસ.એમ.સી. ટીમ પર થયેલા હુમલા બાદ પોલીસ તંત્ર હરકતમાં નિષ્પક્ષ અને સઘન તપાસ માટે DYSPના નેતળત્વમાં ૪ અધિકારીઓ સહિતની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવાઈ, ફરજમાં બેદરકારી બદલ વેરાવળ સિટી PI ગઢવી અને LCB PSI જેબલીયાની લીવ રિઝર્વમાં બદલી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૧૩: વેરાવળ શહેરમાં એસ.એમ.સી. ટીમ પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. સરકારી કામગીરી દરમિયાન ટીમ પર થયેલા હુમલાને ગંભીરતાથી લઈને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક
રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તાત્કાલિક પગલાં લીધા છે. ઘટનાની નિષ્પક્ષ અને સઘન તપાસ થાય તે માટે ઉચ્ચ સ્તરીય તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના આદેશ મુજબ ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે. આ SITમાં ૨ પોલીસ ઇન્સ્પેક્ટર, ૨ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને અનુભવી પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમને હુમલાના તમામ પાસાઓની તપાસ કરવી, સાક્ષીઓના નિવેદનો નોંધવા, CCTV અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવા તેમજ ઘટનામાં સંડોવાયેલા તમામ ઈસમોને શોધી કાઢવાની જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવશે.
આ ઘટનામાં પોલીસની ફરજ પ્રત્યે બેદરકારી સામે આવતા વહીવટી પગલાં પણ લેવામાં આવ્યા છે. વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. ગઢવી અને એલ.સી.બી.ના પી.એસ.આઈ. એચ. એલ. જેબલીયાની તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે ફરજ દરમિયાન યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા ન રાખવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર એસ.એમ.સી. ટીમ સરકારી કામ અર્થે ગઈ હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ટીમના સભ્યોને ઈજાઓ પણ થઈ હતી. બનાવ બાદ સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
પોલીસ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ બાદ જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. આ ઘટના બાદ તંત્રએ સરકારી કર્મચારીઓની સુરક્ષા માટે વધારાના પગલાં લેવાની પણ ખાતરી આપી છે.
હાલ SIT દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ વિગતો બહાર આવે તેવી શકયતા છે
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
