<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

કચ્‍છના ગાગોદર ગામે SMC નો દરોડોઃ ૪૮ લાખનો દારૂ ભરેલું ટેન્‍કર ઝડપાયું .

ટેન્‍કરમાં ખોટી નંબર પ્‍લેટ લગાડી અને ગુપ્ત ખાનામાં છુપાવી દારૂ ઘુસાડવાનું ષડયંત્રઃ ડ્રાઇવર- કલીનરની ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮ : રાજયની સ્‍ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે રાપર તાલુકાના ગાગોદર ગામ નજીક ‘જય ગોગા રાજસ્‍થાની હોટલ'ના ર્પાકિંગમાંથી કરોડોના દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ગુપ્ત બાતમીના આધારે ટ્રેલર(GJ-08-V-7835) માંથી રૂ. ૪૮,૩૫,૭૩૬ ની કિંમતની વિદેશી દારૂની ૧૩,૫૦૦ બોટલો ઝડપી પાડી હતી. પોલીસે દારૂ, રૂ. ૩૦ લાખનું ટ્રેલર,રોકડ રકમ તથા મોબાઈલ મળી કુલ રૂ. ૭૮,૫૭,૬૬૬ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં ડ્રાઈવર શ્રવણકુમાર મેઘવાલ અને ક્‍લીનર ચેનારામ જાટ (બંને રહે. બાડમેર, રાજસ્‍થાન) ની ધરપકડ કરવામાં આવી છે. જ્‍યારે માલ મોકલનાર નારાયણ જાટ (રહે. સાંચોર) અને વાહન માલિક તથા માલ મંગાવનાર ઈસમો વિરૂધ્‍ધ ગાગોદર પોલીસ સ્‍ટેશનમાં  ગુનો નોંધી પી.આઈ. એમ.જે.  હુણ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.ગાગોદર ગામમાં આવેલી ‘જય ગોગા રાજસ્‍થાની હોટલ'ના ર્પાકિંગ જેવા જાહેર સ્‍થળે કલાકો સુધી વિદેશી દારૂથી ભરેલું ટ્રેલર પડ્‍યું રહ્યું, છતાં સ્‍થાનિક પોલીસને તેનો પત્તો કેમ ન લાગ્‍યો?

રાજસ્‍થાનથી ઘૂસાડવામાં આવેલા દારૂના જથ્‍થા માટે ટ્રેલરમાં ખોટી નંબર પ્‍લેટ અને ચોરખાનાનો ઉપયોગ કરાયો હતો. સરહદી વિસ્‍તાર હોવા છતાં સ્‍થાનિક ચેકપોસ્‍ટ તેમ જ ચેકિંગ દરમિયાન આ વાહન કેવી રીતે પસાર થઈ ગયું? (તસવીરઃ મુકેશ રાજગોર, રાપર)

(10:52 AM IST)