તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ટંકારાના લજાઇ નજીક ઉમા સંસ્કાર ધામના મંદીરની દાનપેટી તોડી તસ્કર રોકડ ચોરી ગયો
રીક્ષામાં થેલો લઇને આવેલ શખ્સે મંદીરને નિશાન બનાવ્યું : હજનાળી, ખાનપર બાદ લજાઇમાં ચોરીથી ભાવિકોમાં રોષ

તસ્વીરમાં સીસીટીવીમાં કેદ તસ્કર નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી) (૪.૯)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૨૦ : લજાઈ નજીક આવેલા ઉમા સંસ્કાર ધામ સ્થિત ઉમિયા મંદિરમાં ગુરુવારે વહેલી સવારે ૪ વાગ્યાના અરસામાં તસ્કરે ત્રાટકી દાનપેટીમાંથી અંદાજે રૂ. ૪૦ થી ૫૦ હજારની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની વિગતો મુજબ, લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામમાં આવેલા ઉમિયા મંદિરની દાનપેટી સામાન્ય રીતે દર ૧૫ થી ૨૦ દિવસે કે મહિને ખોલવામાં આવતી હોય છે, જેથી તેમાં અંદાજે રૂ. ૪૦ થી ૫૦ હજાર જેટલી રોકડ હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ગુરુવારે વહેલી સવારે ૪ વાગ્યે એક શખ્સ રિક્ષામાં મંદિર પાસે આવ્યો હતો અને પોતે ઉતરી ગયા બાદ રિક્ષાચાલક આગળ નીકળી ગયો હતો. આ શખ્સનો દેખાવ સામાન્ય ચોર જેવો નહીં પરંતુ કોઈ સામાન્ય વ્યક્તિ જેવો હતો અને ખભે થેલો પણ હતો, જેથી જો કોઈ અચાનક જાગી જાય તો તે પોતે સવારે દર્શન કરવા નીકળ્યો હોય તેવો સ્વાભાવિક ડોળ કરી શકે. ચોરીને અંજામ આપ્યા બાદ તે ફરી રિક્ષાચાલક સાથે રિક્ષામાં બેસીને ટંકારા તરફ રવાના થઈ ગયો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
લજાઈના ઉમિયા મંદિરમાં બનેલી આ ઘટના અગાઉ હમણાં જ હજનાળી ખાતે પણ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ ઉપરાંત ગત ૬ તારીખની આસપાસ ખાનપરમાં પણ મંદિરમાં આવી જ રીતે ચોરીની ઘટના બની હતી. એક પછી એક ગામોમાં ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરીને આચરાતી આ ચોરીઓમાં ચોક્કસ પેટર્ન જોવા મળી રહી હોવાથી સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
