તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 26th November 2026
દીકરા… ૩૦ વર્ષનો ભાર હવે ઉતરી ગયો: જ્યારે માનવતા બની સાચી દવા
અત્યંત ગરીબ વૃદ્ધાની થાઇરોઇડની પોણો કિલો ગાંઠનું સફળ ઓપરેશન; અદાણી સંચાલિત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોની માનવીય સંવેદના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : વાત તબીબી સેવા સાથે સંકળાયેલ માનવતા, સેવાભાવ અને સંવેદનાની !! ભુજના માધાપરના યક્ષ મંદિરની નિશ્રામાં ભિક્ષા માગીને જીવનનિર્વાહ કરતાં ૬૨ વર્ષનાં માજી માટે જિંદગી જાણે રોજનો સંઘર્ષ હતી. આ સંઘર્ષ માત્ર બે ટંકના ભોજન પૂરતો સીમિત નહોતો, પરંતુ છેલ્લા ૩૦ વર્ષથી ગળામાં વિકસેલી થાઇરોઇડની ગાંઠની અસહ્ય પીડા પણ તેમનો પીછો છોડતી નહોતી. શરૂઆતમાં નાની દેખાતી આ ગાંઠ છેલ્લા ૮ વર્ષથી ઝડપથી વધવા લાગી હતી. સમય જતાં તેનું કદ એટલું મોટું થઈ ગયું કે માજીને શ્વાસ લેવામાં, ખોરાક ગળવામાં અને બોલવામાં પણ ભારે મુશ્કેલી પડતી હતી. ગરીબી એવી કે સારવાર કરાવવાના પૈસા નહોતા. એકમાત્ર દીકરો મજૂરી કરીને માંડ પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આર્થિક સંકડામણ વચ્ચે આયુષ્માન કાર્ડ પણ ન હોવાથી સારવારની આશા જાણે ધૂંધળી બની ગઈ હતી. તેમ છતાં યક્ષદાદા પરની શ્રદ્ધા અને કોઈક મદદ કરશે તેવી આશા સાથે તેઓ દિવસો પસાર કરતાં હતાં.
આખરે તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ સાથે તેઓ ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ઈએનટી (ENT) વિભાગમાં પહોંચ્યાં. સદનસીબે તે સમયે મેડિકલ ડાયરેક્ટર ડો. નરેન્દ્ર હિરાણી સહિત વરિષ્ઠ તબીબો હાજર હતા. માજીની સ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક જરૂરી તબીબી તપાસ કરવામાં આવી, જેમાં ગળામાં થાઇરોઇડની વિશાળ ગાંઠ હોવાનું નિદાન થયું. ગાંઠ માત્ર ગળા પૂરતી સીમિત નહોતી, પરંતુ છાતી સુધી વિસ્તરી ગઈ હતી અને શ્વાસનળી, અન્નનળી તેમજ મગજ અને કરોડરજ્જુ તરફ લોહી પહોંચાડતી મહત્વપૂર્ણ નસો પર દબાણ કરતી હતી. આથી તાત્કાલિક શસ્ત્રક્રિયા કરવી અનિવાર્ય બની હતી.
માજીના દીકરાને સાથે રાખીને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. મેડિકલ ડાયરેક્ટર ડો. નરેન્દ્ર હિરાણીના માર્ગદર્શન હેઠળ માજીનું ટોટલ થાઇરોઇડેક્ટોમી (Total Thyroidectomy) ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે ૪ કલાકની જહેમત બાદ સક્કરટેટી જેવડી અને અંદાજે ૭૫૦ ગ્રામ વજન ધરાવતી વિશાળ ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. વર્ષોથી ગળામાં સહન કરતા ભાર અને પીડામાંથી માજીને આખરે મુક્તિ મળી હતી.
આ જટિલ શસ્ત્રક્રિયામાં એસો. પ્રોફે. ડો. રશ્મિ સોરઠીયા, આસિ. પ્રોફે. ડો. હેતલબેન જોશી, ડો. મૈત્રી પરમાર, ડો. પ્રીત હિંગરાજીયા અને ડો. આમન્યા સોલંકી સહિતની તબીબી ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે એનેસ્થેસિયા વિભાગનાં ડો. મંદાકિની ઠક્કર, સ્ટાફ બ્રધર્સ દિનેશભાઈ તથા સમગ્ર ટીમે પણ શસ્ત્રક્રિયાને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.
માનવતા જ અહીં સાચી દવા બની
આ સમગ્ર ઘટનામાં સૌથી હૃદયસ્પર્શી બાબત એ છે કે માજી પાસે આયુષ્માન કાર્ડ ન હોવા છતાં હોસ્પિટલ દ્વારા તેમની શસ્ત્રક્રિયા વિનામૂલ્યે કરવામાં આવી હતી. આર્થિક રીતે સાવ નિઃસહાય દર્દી માટે તબીબોની કુશળતા સાથે માનવીય સંવેદના પણ આશીર્વાદરૂપ બની હતી. ઓપરેશન બાદ રાહતનો શ્વાસ લેતાં માજીએ લાગણીભીના સ્વરે કહ્યું, “દીકરા… ૩૦ વર્ષનો ભાર હવે ઉતરી ગયો.” તેમના આ શબ્દોમાં વર્ષોની પીડામાંથી મળેલી મુક્તિ અને નવજીવનની ખુશી સમાયેલી હતી. આજે માજી સ્વસ્થ છે અને તેમના ચહેરા પર ફરી સ્મિત ખીલ્યું છે. ખરેખર, આ કિસ્સો માત્ર એક સફળ શસ્ત્રક્રિયાની કહાની નથી, પરંતુ તબીબી સેવા સાથે માનવતા, સંવેદના અને સેવાભાવનું જીવંત ઉદાહરણ છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
