News of Friday, 29th May 2026
ભાવનગરમાં પત્નીની હાજરીમાં જ સસરાની હત્યા કરતો જમાઈ
કૌટુંબિક ઝઘડામાં ખેલાયો ખૂની ખેલઃ માથામાં ઇંટ મારી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૯: ભાવનગર શહેરના ચિત્રા વિસ્તાર માં જમાઇએ પોતાની પત્નિની હાજરીમાં જ સસરા ઉપર ઇંટ વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં સસરાનું મોત નિપજતાં હત્યાના બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપી જમાઈને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
વિગતો એવી છે કે બેંક કોલોની વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ દસાડીયા નામના આધેડ તેમના ઘરે હતા. જે દરમિયાન તેમની દિકરી અને જમાઈ વચાળે ચાલતા કૌટુંબિક ઝઘડા મામલે તેમની દિકરી અને જમાઇ રાકેશભાઈ બંન્ને આજે ઘરે આવેલા હતા. જે વેળાએ પરિવારની અંદર ચાલતા મતભેદ અને ઘરેલુ બોલાચાલી વચ્ચે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જે બાદ ઝઘડાના ઉશ્કેરાટમાં જમાઇ રાકેશ વનાભાઇ કુકળવાએ સસરા ઉપર હુમલો કરી, માથાના ભાગે ઇંટના ઘા ઝીંકી દિધા હતા. જે ઘટનામાં ગોરધનભાઇ દસાડીયાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં, લોહિલુહાણ હાલતે તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા અને આરોપી જમાઇ રાકેશ કુકળવા ફરાર થઈ ગયો હતો. જે ઘટનામાં ગોરધનભાઇને ગંભીર હાલતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મળતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી જમાઇ રાકેશ કુકળવાને ઝડપી પાડવા તેમજ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે કૌટુંબિક અણબનાવ હત્યાનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
