News of Saturday, 29th August 2026
કચ્છના લોદ્રાણી કુડા કેમ્પ ખાતે સ્નેહના તાંતણે બંધાયું ભારત માતાના સપૂતોને ‘રક્ષા કવચ’
બીએસએફ જવાનો સાથે રક્ષાબંધનની ભાવભેર ઉજવણી, બહેનોએ રાખડી બાંધી દેશના રક્ષકોના સુખ-સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : રાપર તાલુકાના લોદ્રાણી ગામે આવેલા BSF કુડા કેમ્પ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ દેશની સરહદોની સુરક્ષા માટે પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા BSFના જવાનો સાથે બહેનોએ રક્ષાબંધનનો પર્વ ઉજવી ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બહેનોએ દેશની સુરક્ષા માટે તૈનાત BSFના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. જવાનો પ્રત્યે સ્નેહ, આદર અને લાગણી વ્યક્ત કરી તેમના સુખ, સમૃદ્ધિ, સ્વસ્થ જીવન તથા દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાપર તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી દક્ષાબેન ધૈડા, માયાભાઈ ધૈડા, દિલીપભાઈ ધૈડા, હરેશદાન ગઢવી, પ્રફુલભાઈ પરમાર, નરેશભાઈ, રામજીભાઈ ધૈડા તેમજ સીમા જાગરણ મંચના મહામંત્રી રાજેશભાઈ સથવારા સહિત ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને BSFના જવાનોને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન જવાનો અને બહેનો વચ્ચે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ક્ષણો જોવા મળી હતી. બહેનો દ્વારા રાખડી બાંધીને વ્યક્ત કરવામાં આવેલા પ્રેમ અને સન્માન બદલ BSFના જવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
રક્ષાબંધનના આ કાર્યક્રમ થકી દેશની રક્ષા કરનાર જવાનો પ્રત્યે સમાજની લાગણી, સન્માન અને કૃતજ્ઞતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે ભાવનાત્મક વાતાવરણમાં સંપન્ન થયો હતો. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
