News of Friday, 15th May 2026
ભાવનગરના મહુવામાં માલણ નદી પર જૂના પુલ પર કામગીરી દરમિયાન પુલનો એક ગાળો બેસી જતાં વાહનવ્યવહાર ઠપ્પ
સાફ-સફાઈ અને નવી દીવાલના નિર્માણ વચ્ચે પુલનું જોખમી સ્ટ્રક્ચર અચાનક નમી પડ્યું : ઇજનેરો અને પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચીને મોરચો સંભાળ્યો

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી પસાર થતી માલણ નદીના પુલ પર એક મોટી જાનહાનિ ટળી છે. માલણ નદીમાં સાફ-સફાઈ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક પુલનો એક હિસ્સો બેસી જવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, આ પુલ આશરે 50 વર્ષ જૂનો છે. ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને નદીના તેજ પ્રવાહને કારણે પુલના પાયામાં નુકસાન થયું હતું. આ નુકસાનને પગલે તંત્ર દ્વારા પુલના રિપેરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે જ્યારે જેસીબી મશીન દ્વારા નદીમાં સાફ-સફાઈ અને રક્ષણાત્મક દીવાલનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પુલનો એક આખો ગાળો એકાએક નીચે બેસી ગયો હતો.
ઘટનાની જાણ થતા જ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પુલની ગંભીર સ્થિતિને જોતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મહુવા પોલીસનો સ્ટાફ પણ ખડેપગે થઈ ગયો છે. હાલ સુરક્ષાના કારણોસર પુલ પરનો એક સાઈડનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
આ પુલ શહેરના મુખ્ય માર્ગોને જોડતો હોવાથી માર્ગ બંધ થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પુલના સ્ટ્રક્ચરની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ જ આગળની કામગીરી અને ટ્રાફિક અંગે નિર્ણય લેવામાં આવશે. સદનસીબે, પુલ બેસી ગયો ત્યારે ઉપર કોઈ વાહન ન હોવાથી મોટી હોનારત ટળી હતી.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
