News of Wednesday, 23rd September 2026
લાઇટરનો સ્પાર્ક કરતાં જ ભડકો થયોઃ ધારીના કોઠા પીપળીયામાં દાઝી જતાં રંભીબેનનું મોત
લિકેજ થઇને આખી રાત ગેસ રસોડામાં ભેગો થયો હતો

રાજકોટ તા. ૨૩: અમરેલીના ધારી તાબેના કોઠા પીપળીયા ગામે ગેસ લિકેજથી રસોડામાં આગ ભભૂકતાં દાઝી જતાં એક મહિલાનું મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ કોઠા પીપળીયા ગામે રહેતાં રંભીબેન સુરેશભાઇ પડસારીયા (ઉ.વ.૫૫) તા. ૮/૯ના સવારે પાંચેક વાગ્યે ઘરના રસોડામાં ભડકો થતાં દાઝી જતાં ધારી-અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધારી પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર રંભીબેનને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પતિ સુરેશભાઇ પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. સગાના કહેવા મુજબ રાતે ગેસના ચુલામાંથી ગેસ લિક થતો રહ્યો હતો અને રાતભર લીક થયેલો ગેસ રસોડામાં ભરાઇ ગયો હતો. તેનાથી અજાણ રંભીબેને સવારે પાંચ વાગ્યે જાગીને ચા બનાવવા ગેસના ચુલા પાસે લાઇટરથી સ્પાર્ક કરતાં જ ભડકો થયો હતો અને તેઓ લપેટમાં આવી ગયા હતાં.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
