News of Sunday, 11th October 2026
મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે ફોમ સીટવાળા ગ્રાઉન્ડની ખાસ વ્યવસ્થા.
નફા માટે નહીં પરંતુ સેવા માટે યોજાતો ભવ્ય રાસોત્સવ: ગત વર્ષે પિતાની છત્રછાયા ગુમાવનાર 100 દીકરીઓને અપાઈ હતી 21 લાખની સહાય, આ વર્ષે પણ સેવાકાર્ય રહેશે અકબંધ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં અર્વાચીન રાસોત્સવ માત્ર કમાણી માટે નહીં પરંતુ સેવાકીય કાર્યો માટે પણ યોજાય છે. મોરબીના ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરો દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવ 16માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે ખેલૈયાઓ માટે અદ્યતન સુવિધાઓ અને સમાજ સેવાના અનેક પ્રકલ્પોની માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી છે.
ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા આ રાસોત્સવમાંથી થતી આવકને પોતાના ઘરે લઈ જવાને બદલે વિવિધ સેવા કાર્યોમાં વાપરવામાં આવે છે. આ ફંડમાંથી અગાઉ વીરપર ખાતે ઉમા સંસ્કાર ધામમાં એક વિંગ, અમદાવાદ ખાતે દીકરીઓ માટેના સસ્તા દરના ઉમા સંકુલમાં એક વિંગના દાતા, કોરોના કાળમાં મદદ અને ઉમિયા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશેષમાં, ગત વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવનાર અને સામાન્ય ઘરની દીકરીઓના ભણતર કે લગ્ન માટે આર્થિક સહાય આપવાની શરૂઆત કરાઈ છે. ગત વર્ષે કિશનભાઈ ગામી પરિવાર દ્વારા માતાજીની આરતીના ચડાવામાંથી આવેલી 21 લાખ રૂપિયાની રકમ 100 જેટલી દીકરીઓને અર્પણ કરવામાં આવી હતી. આ વર્ષે પણ આરતીના ચડાવા અને અન્ય દાતાઓના સહયોગથી આ સેવાકાર્ય ચાલુ રાખવામાં આવશે.
આ વર્ષના ભવ્ય આયોજન વિશે માહિતી આપતા આયોજકોએ જણાવ્યું હતું કે, ખેલૈયાઓની સુરક્ષા અને સુવિધામાં વધારો કરતા આ વર્ષે ગ્રાઉન્ડમાં નીચે કાર્પેટ અને તેની ઉપર ફોમ સીટ પાથરવામાં આવી છે, જેથી ખેલૈયાઓને રમવામાં ખૂબ જ મજા આવે અને હાર્ડ ફ્લોરિંગના કારણે પગમાં તકલીફ ન પડે. આ નવરાત્રી મહોત્સવમાં બે મોટા ગ્રાઉન્ડ તૈયા૨ ક૨ાયા છે. જેમાં ફેમિલી પેવેલિયન અને સીઝન પાસ ધરાવનારાઓ માટે 60,000 સ્ક્વેર ફૂટનું રમવાનું ગ્રાઉન્ડ અને 50,000 સ્ક્વેર ફૂટની બેઠક વ્યવસ્થા રખાઈ છે. આ જ રીતે પાછળના ગ્રાઉન્ડમાં પણ 60,000 સ્ક્વેર ફૂટ રમવા માટે અને 50,000 સ્ક્વેર ફૂટ બેસવા માટે વ્યવસ્થા છે. આમ, કુલ સવા બે લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં ગ્રાઉન્ડ અને કેન્ટીન સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે.
આ ઉપરાંત, ખેલૈયાઓ અને મહેમાનોને ટ્રાફિક કે પાર્કિંગની કોઈ જ અગવડતા ન પડે તે માટે 5 લાખ સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જગ્યામાં પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થતા આ ભવ્ય ઉમિયા નવરાત્રી મહોત્સવમાં પધારવા અને માતાજીની આરાધના કરી સેવાકાર્યમાં સહભાગી થવા આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
