<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

જામનગર જિલ્લા પોલીસની "સ્પેશિયલ ડ્રાઇવ' :વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો સક્રિય :ટ્રાફિક નિયમો તોડનારા સામે પગલાં લેવાયા

જામનગર શહેર અને જિલ્લામાં માર્ગ સલામતી વધારવા તથા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા નાઈટ ટ્રાફિક ડ્રાઈવ:રવિવાર રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો સક્રિય

જામનગર શહેર અને જિલ્લામાં માર્ગ સલામતી વધારવા તથા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા વિશેષ નાઈટ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ રવિવાર રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો સક્રિય થયો હતો અને નિયમો તોડનારા વાહનચાલકો સામે કડક પગલાં ભરવામાં આવ્યા હતા.

શહેરના જે મુખ્ય માર્ગો અને ચોક પર લોકોની વધુ અવરજવર રહેતી હોય છે, ત્યાં પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. રાત્રિના સમયે થતા અકસ્માતો અટકાવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે પોલીસ ટીમોએ વિવિધ પોઈન્ટ પર વાહનો અટકાવી તપાસ કરી હતી. આ દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો તેમજ પૂરઝડપે અને બેફિકરાઈથી વાહન હંકારી અન્ય નાગરિકોના જીવ જોખમમાં મૂકતા શખ્સો સામે ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે વાહનો પાર્ક કરનારા ચાલકો સામે પણ પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. કારના કાચ પર ગેરકાયદેસર રીતે બ્લેક ફિલ્મ લગાવી ફરતા વાહનચાલકો સામે દંડનીય તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી શકાય તે માટે આ પ્રકારના નિયમભંગ સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન નંબર પ્લેટ વગર દોડતા વાહનો તેમજ મોટર વાહન અધિનિયમના નિયમો વિરૂદ્ધ ફેન્સી નંબર પ્લેટ લગાવેલા વાહનોને પણ પોલીસે નિશાન બનાવ્યા હતા. જામનગર જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે નિયમપાલક નાગરિકોએ માર્ગ સલામતી માટેની આ ઝુંબેશને આવકારી છે. આગામી સમયમાં પણ આવી વિશેષ ડ્રાઈવ યથાવત રહે તેવી શક્યતા છે.

(11:51 PM IST)