<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

ગેઈમ્સ ભુજની એનેસ્થેશિયા ટીમ સિમ્યુલેશન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ: હવે આગામી નવેમ્બરમાં કેરળ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટ્સના સહયોગથી યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી કુલ છ ટીમોએ ભાગ લીધો હતો : ક્લિનિકલ જ્ઞાન, ટીમવર્ક, ઝડપી નિર્ણયક્ષમતા તથા વ્યવહારુ એનેસ્થેશિયા કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનવાનુ ગૌરવ મેળવ્યુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ :  અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલની એનેસ્થેશિયા ટીમે અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલ ખાતે તાજેતરમાં યોજાયેલી લાઇવ એનેસ્થેશિયા ક્રાઇસીસ સિમ્યુલેશન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 

       ષઆ સાથે ટીમ હવે આગામી નવેમ્બરમાં કેરળ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગેઈમ્સ તથા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટ્સ (ISA)ના સહયોગથી યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. ગેઈમ્સની ટીમે ક્લિનિકલ જ્ઞાન, ટીમવર્ક, ઝડપી નિર્ણયક્ષમતા તથા વ્યવહારુ એનેસ્થેશિયા કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનવાનુ ગૌરવ મેળવ્યુ હતુ. 

          વિજેતા ટીમમાં પ્રોફેસર ડૉ. જલદીપ પટેલ, રેસિડેન્ટ ડૉ. રઘુનંદન શર્મા, ડૉ. સ્તુતિ શાહ અને ડૉ. શિવમ સેનગરનો સમાવેશ થાય છે. ટીમની આ સફળતા બદલ મેડિકલ ડાયરેક્ટર ડૉ. નરેન્દ્ર હિરાણી, ડીન ડૉ. અજીતકુમાર ખિલનાની તથા એનેસ્થેશિયા વિભાગના હેડ ડૉ. મંદાકિની ઠક્કરે અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી.

 

 

સિમ્યુલેશન શું છે?

 

સિમ્યુલેશન એટલે દર્દી પર સીધો પ્રયોગ કર્યા પહેલાં પૂતળા, મશીન અથવા વર્ચ્યુઅલ સોફ્ટવેરની મદદથી કટોકટીની પરિસ્થિતિનો અભ્યાસ અને તેનો સામનો કરવાની તાલીમ. હૃદય બંધ થઈ જવું, શ્વાસ અટકી જવો અથવા બ્લડ પ્રેશર અચાનક ઘટી જવા જેવી ગંભીર પરિસ્થિતિમાં તબીબી ટીમે કેવી રીતે ઝડપી અને યોગ્ય નિર્ણય લેવો તે અંગેની વ્યવહારુ તાલીમને ક્રાઇસીસ સિમ્યુલેશન કહેવામાં આવે છે.

(9:34 AM IST)