<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

સાયલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સ્‍ટેટ મોનિટરીંગ સેલનો સપાટો : નાગરાજ હોટલના કમ્‍પાઉન્‍ડમાંથી રૂા. ૯૩.ર૬ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો ઝડપાયોઃ હરિયાણાનો ડ્રાઇવર પકડાયો

હાઇવે પર પાર્ક કરેલા કન્‍ટેનરના પ્‍લાયવુડના નકલી બોકસ બનાવી દારૂ છુપાવ્‍યો હતો, તાડપત્રી તોડતા લાખોની બોટલો નીકળી, કરણસિંહ કાલુરામની ધરપકડ, હરિયાણાથી સુરેન્‍દ્રનગર સુધીનું બુટલેગિંગ નેટવર્ક ખુલ્‍યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રપ :  સાયલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી અને સફળ રેડ પાડીને વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડ્‍યા છે. સાયલાથી ચોટીલા-રાજકોટ તરફ જતા રોડ ઉપર ઢેઢુકી ગામની સીમમાં આવેલી નાગરાજ હોટલના કમ્‍પાઉન્‍ડમાં શંકાસ્‍પદ રીતે પાર્ક કરેલા ટ્રક કન્‍ટેનરમાંથી પોલીસે લાખો રૂપિયાનો દારૂનો જથ્‍થો શોધી કાઢયો છે.

તા. ૨૪-૬ના સવારે પાર પાડેલી કાર્યવાહીમાં પોલીસે ટ્રક કન્‍ટેનર નં. HR 56 A 7860 ની તપાસ કરી હતી. બહારથી તાડપત્રી અને દોરડા વ્‍યવસ્‍થિત બાંધેલા હોવાથી પ્રથમ દ્રષ્ટિએ કંઈ અજુગતું લાગ્‍યું ન હતું. પરંતુ ડ્રાઈવરની અટકાયત કરી કન્‍ટેનર ખોલતા પોલીસ ચોંકી ગઈ હતી. બુટલેગરોએ કન્‍ટેનરની અંદર આખી પ્‍લાયવુડની નકલી બોક્‍સ ઊભા કરી દીધા હતા. પ્‍લાયવુડના કમ્‍પાઉન્‍ડને તોડતા જ અંદરથી વિદેશી દારૂની પેટીઓ અને બોટલોનો મોટો જથ્‍થો નીકળવા માંડ્‍યો હતો.

ગાંધીનગર SMCના આણંદ મૂળ મહેકમ ધરાવતા આસિસ્‍ટન્‍ટ હેડ કોન્‍સ્‍ટેબલ સમીરખાન ઇકબાલખાનની ફરિયાદથી સાયલા પોલીસે ગુનો નોંધ્‍યો છે. પોલીસે હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના મેહુવાલા ગામના રહેવાસી કરણસિંહ કાલુરામ શ્રીરામ ઉં. ૩૦ ને દારૂના જથ્‍થા સાથે દબોચી લીધો છે

૧. વિદેશી દારૂની બોટલો - કિંમત રૂ. ૬૩,૮૩,૩૦૦ 

૨. ટ્રક-કન્‍ટેનર નં. HR 56 A 7860 - કિંમત રૂ. ૨૯,૨૮,૦૦૦ 

૩. મોબાઇલ-૨ - કિંમત રૂ. ૧૫,૦૦૦ 

૪. તાડપત્રી અને અન્‍ય સાધનિક કાગળો - કિંમત રૂ. ૨,૨૦૦ કુલ જપ્ત મુદ્દામાલ રૂ. ૯૩,૨૬,૫૦૦

પૂછપરછમાં ડ્રાઈવરે અન્‍ય નામો ખોલ્‍યા છે. જેમાં ઇન્‍દજીત જાની જાટ રહે. ભટુકલા ખાબડા રોડ, જી. ફતેહાબાદ, હરિયાણા દારૂનો જથ્‍થો મોકલનાર તરીકેનું નામ સામે આવ્‍યું છે. જ્‍યારે સુરેન્‍દ્રનગર પંથકનો એક અજાણ્‍યો ઇસમ દારૂનો જથ્‍થો મંગાવનાર હતો. પોલીસે ટ્રક કન્‍ટેનરના અસલી માલિક સહિત સંડોવાયેલા તમામ ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:49 AM IST)