News of Monday, 13th July 2026
રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશરને ખાણ ખનીજ વિભાગની નોટીસ : જેતપર આંદોલનમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ તંત્રની કડક કાર્યવાહી
જેતપર ખાતે યોજાયેલી સભામાં મંત્રીઓ અને તંત્ર સામે કરેલી અશોભનીય ટિપ્પણી બાદ તંત્ર સક્રિય : રવિવારે મોરબીના ટીંબડી પાસેના ડેલ્ટા સ્ટોન ખાતે તપાસ કર્યા બાદ રોયલ્ટીના પુરાવા રજૂ કરવા માટે અપાયો આદેશ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયાના માલિકીના સ્ટોન ક્રશર પર ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા રાજકીય ગરમાવો ફેલાયો છે. મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે આવેલા 'ડેલ્ટા સ્ટોન' નામના સ્ટોન ક્રશર (ભરડીયા) માં રાકેશભાઈ અમૃતિયા ભાગીદાર છે. આ યુનિટ પર રવિવારના રોજ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ હવે સંચાલકને નોટીસ ફટકારીને રોયલ્ટીના આધાર પુરાવા રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
જેતપર આંદોલન અને વિવાદાસ્પદ નિવેદન બાદ કાર્યવાહી:
જેતપર ગામે ખેડૂત આંદોલન શરૂ થયું ત્યારથી જ રાકેશભાઈ અમૃતિયા તેમાં સક્રિય રીતે જોડાયેલા છે અને તેમણે આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. તાજેતરમાં આ આંદોલન પાર્ટ ૩ તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ગત તા. ૯ ના રોજ જેતપર ગામે આયોજિત ઉપવાસી છાવણી ખાતે રાકેશભાઈ અમૃતિયાએ એક સભાને સંબોધતા રાજ્યના મંત્રીઓ માટે અશોભનીય શબ્દો પ્રયોજ્યા હતા. તેમણે મંત્રીઓને ૧૦૮ માં ઘાલવાની, ઝભા ફાડવાની તેમજ જિલ્લાના પૂર્વ કલેકટર માટે પણ અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ સભાના થોડા જ દિવસો બાદ સરકારી વિભાગ દ્વારા તેમના વ્યવસાયિક એકમ પર કાર્યવાહી કરવામાં આવતા આ મુદ્દો સમગ્ર મોરબી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ અને નોટીસની પ્રક્રિયા:
સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારના દિવસે ટીંબડી ગામના પાટિયા પાસે આવેલા ડેલ્ટા સ્ટોન ખાતે ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી હતી. આ ટીમ દ્વારા સ્થળ પર સ્ટોક વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને ત્યાં રહેલા રોયલ્ટી પાસ સહિતના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રાથમિક તપાસ બાદ, સોમવારે વિભાગ દ્વારા રાજ્યમંત્રીના ભાઈની ભાગીદારી વાળા આ સ્ટોન ક્રશરને સત્તાવાર નોટીસ આપવામાં આવી છે. આ નોટીસમાં તેમને સ્ટોક અને રોયલ્ટીને લગતા તમામ કાયદેસરના આધાર પુરાવા તાત્કાલિક રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
આંદોલનની સાથે જોડાયેલા અને તંત્ર સામે આકરા પ્રહાર કરનાર વ્યક્તિના વ્યવસાયિક એકમ પર આ પ્રકારની સરકારી તપાસ હાથ ધરવામાં આવતા રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી થઈ છે. આ કાર્યવાહી વહીવટી પ્રક્રિયાનો ભાગ છે કે પછી વિવાદાસ્પદ નિવેદનોના પગલે લેવાયેલું પગલું, તે બાબતે લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
