News of Friday, 29th May 2026
જામનગર જિલ્લામાં ભૃણ હત્યા ડામવા PC & PNDT એક્ટના કડક અમલ માટે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ: વહીવટી તંત્ર એક્શન મોડમાં
નવા રજીસ્ટ્રેશન, રિન્યુઅલ અને નિયમભંગ કરતા ક્લિનિકના રજીસ્ટ્રેશન કેન્સલ કરવા સહિત નવા તબીબોની નિમણૂંક અંગે સર્વાનુમતે મહત્વના નિર્ણયો લેવાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૯ : જિલ્લામાં પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ (PC & PNDT) એક્ટ-1994ના ચુસ્ત અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા પંચાયત જામનગર ખાતે જિલ્લા સલાહકાર સમિતિની અગત્યની બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ભૃણ હત્યાના દૂષણને સંપૂર્ણપણે અટકાવવા વિવિધ કાયદાકીય જોગવાઈઓ અંતર્ગત વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગવંતી અને અસરકારક બનાવવા માટેના એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં ગત મીટિંગના અહેવાલનું વાંચન કરી તેના પર લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ સમિતિ સમક્ષ આવેલા વિવિધ પ્રસ્તાવો અન્વયે નીચે મુજબના નિર્ણયો સર્વાનુમતે લેવાયા હતા:
નવા રજીસ્ટ્રેશન પાત્રતા ધરાવતા ક્લિનિક્સને નવા રજીસ્ટ્રેશન આપવા અંગે મંજૂરી.રિન્યુઅલ પ્રક્રિયા કાર્યરત ક્લિનિક્સના રજીસ્ટ્રેશનનું નિયમાનુસાર રિન્યુઅલ કરવા.એજન્સીઓનું રજીસ્ટ્રેશન સંબંધિત એજન્સીઓને એક્ટની જોગવાઈ મુજબ રજીસ્ટ્રેશન આપવા.રજીસ્ટ્રેશન કેન્સલ:* નિયમોનું ઉલ્લંઘન કરતા અથવા સરકારી માપદંડો પૂર્ણ ન કરતા કેન્દ્રોના રજીસ્ટ્રેશન કેન્સલ કરવા અંગે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા ચર્ચા.
આ બેઠકમાં ક્લિનિક વેરિફિકેશન રિવ્યુ અંતર્ગત જિલ્લામાં ચાલતા સોનોગ્રાફી સેન્ટરો અને જીનેટિક ક્લિનિક્સની તપાસણીની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ એક્ટના રૂલ્સ-13 અન્વયે કાયદાકીય પ્રક્રિયાઓ અને ફિલ્ડ ઇન્સ્પેક્શન માટે નવા તબીબોની નિમણૂંક કરવા જેવા મહત્વના વહીવટી વિષયો પર પણ સભ્યો દ્વારા ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પંકજકુમાર સિંઘ, ડો. આર. બી. ગુપ્તા તેમજ સમિતિના અન્ય સરકારી અને બિન-સરકારી સભ્યો તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
