તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Thursday, 5th November 2026
સુરેન્દ્રનગરના સફાઇ કામદારોને બે દિ'માં પગાર-બોનસ ચૂકવી દેવા ઉગ્ર માંગ

વઢવાણ તા.૫: સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા આશરે ૫૦૦ જેટલા સફાઈ કામદારો તહેવાર ઉજવી શકે તે માટે તેમના પગાર, એડહોક બોનસ તેમજ ફેસ્ટિવલ એડવાન્સની રકમનું ૨ દિવસમાં ચૂકવણું કરવાની માંગ સાથે રાજ્ય કર્મચારી સંઘદ્વારા પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે.
સંઘના પ્રમુખ મયુરભાઈ બી. પાટડીયા દ્વારા મનપાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે પાલિકામાં વાલ્મીકિ સમાજના અંદાજે ૫૦૦ કાયમી, રોજમદાર અને કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. તહેવારો નજીક હોઈ તેમની ન્યાયી માગણીઓ ઉકેલવી જરૂરી છે.
પાલિકા તંત્ર સમક્ષ કરાયેલી મુખ્ય ૪ માંગણીઓમાં સરકારી ઠરાવ મુજબ એડહોક બોનસ રાજ્ય સરકારના નાણાં વિભાગના તાજેતરના ઠરાવ તા. ૨/૧૧/૨૦૨૬ મુજબ વર્ગ-૪ ના તમામ કાયમી, રોજમદાર અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તાત્કાલિક એડહોક બોનસ ચૂકવવામાં આવે. રૂ. ૫૦૦૦ ફેસ્ટિવલ રકમ દિવાળીના તહેવારો માટે અગાઉની જેમ પરત ભરવાની શરતે સફાઈ કામદાર દીઠ રૂ. ૫૦૦૦ ફેસ્ટિવલ એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવામાં આવે.
કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના પગારમાંથી ૮.૩૩% લેખે બોનસની રકમ કાપવામાં આવી હોવા છતાં ચૂકવવાની ના પાડવામાં આવે છે, જેથી કોન્ટ્રાક્ટર કર્મચારીઓને બોનસ ચૂકવે તેવો આદેશ કરવામાં આવે. કર્મચારીઓનો માસિક પગાર તહેવાર પહેલાં જ કરી દેવામાં આવે.
ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે માંગણી કરી છે કે તમામ ચાર મુદ્દાઓ પર આગામી ૨ દિવસની અંદર આદેશ કરી રકમનું ચૂકવણું કરવામાં આવે. આ પત્રની નકલ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સેનિટેશન કમિટીના ચેરમેનને યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરાઈ છે
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
