News of Sunday, 12th July 2026
ખેડૂત આંદોલનને દબાવવા માટે સરકારે કારૂભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર પર રેડ પાડી હોવાનો મનોજ પનારાનો સણસણતો આક્ષેપ : ખાણ ખનીજ અને પીજીવીસીએલનું ચેકિંગ એ આંદોલન તોડવાનું સરકારી ષડયંત્ર : જુઓ વિડીયો
અધિકારીઓનો દુરુપયોગ કરીને આંદોલનને કચડી નાખવાની નીતિ એ લોકશાહીની હત્યા સમાન : અગાઉ મને પણ ગૌશાળા મામલે નોટિસ આપી પ્રમુખ પદેથી રાજીનામું અપાવવા મજબૂર કરાયો હતો - પાટીદાર યુવા સેવા સંઘના આગેવાનની તીખી પ્રતિક્રિયા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: ખેડૂત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા અને હાલ ઉપવાસ પર બેઠેલા કિસાન અગ્રણી કારૂભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવતા કિસાન સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ઓચિંતા દરોડા અંગે પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ રેડ માત્રને માત્ર કારૂભાઈ અમૃતિયાને દબાવવા, ધમકાવવા અને કિસાન આંદોલનમાંથી ખસી જવા માટે સરકારના ઈશારે જ કરવામાં આવી છે. તમામ કિસાન આગેવાનોનું સ્પષ્ટ માનવું છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની કાર્યવાહી આંદોલનને તોડી પાડવાનું એક પૂર્વઆયોજિત સરકારી ષડયંત્ર છે.
આવી દમનકારી નીતિથી આંદોલન દબાશે નહીં, પરંતુ વધુ મજબૂત બનશે:
મનોજ પનારાએ સરકારની આ નીતિને લોકશાહીની હત્યા ગણાવીને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકારી અધિકારીઓનો દુરુપયોગ કરીને તંત્ર આંદોલનને કચડી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે સરકારને ચીમકી આપતા સ્પષ્ટ કર્યું કે, પ્રશાસનની આવી દમનકારી નીતિથી ખેડૂતોનું આંદોલન ક્યારેય દબાશે નહીં, ઉલટાનું આ અન્યાય સામે આંદોલન ભવિષ્યમાં વધુ ઉગ્ર અને મજબૂત બનશે.
અગાઉ મારી ગૌશાળા પર નોટિસ આપી પરિવાર અને રોજીરોટી પર દબાણ કરાયું હતું:
પોતાની સાથે ભૂતકાળમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા મનોજ પનારાએ ખુલાસો કર્યો હતો કે, આ અગાઉ તેમને પણ તેમની ગૌશાળા મામલે વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેના કારણે ભારે દબાણ વશ થઈને તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેમના પરિવાર, કામધંધા અને રોજીરોટી પર પણ તંત્ર દ્વારા દબાણ લાવવાના તીવ્ર પ્રયાસો થયા હતા, જેથી તેઓ કિસાન આંદોલનમાંથી પીછેહઠ કરી લે. હવે બરાબર એ જ હીન નીતિ અને મોડસ ઓપરેન્ડી કારૂભાઈ અમૃતિયા સાથે અપનાવીને તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
લાખો ખેડૂતો કારૂભાઈની સાથે અડીખમ, સરકારને મોટા આંદોલનની સીધી ચેતવણી:
ગુજરાતભરના લાખો ખેડૂતો અને કિસાન આગેવાનો કારૂભાઈ અમૃતિયાની સાથે મક્કમતાથી અડીખમ ઉભા હોવાનો દાવો કરતા મનોજ પનારાએ સરકારને સીધી અને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે ભારપૂર્વક માંગ કરી છે કે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આવી દબાવવાની હીન રાજનીતિ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને ખેડૂતોના જે સાચા અને વ્યાજબી પ્રશ્નો છે તેનો સત્વરે યોગ્ય ઉકેલ લાવવામાં આવે. જો આગામી દિવસોમાં પણ સરકાર દ્વારા આવા જ ખોટા નુસખા અને દમનકારી પ્રયાસો ચાલુ રહેશે, તો સમગ્ર રાજ્યના ખેડૂતો એકત્રિત થઈને એક બહુ જ મોટું જનઆંદોલન ઊભું કરશે અને અંતે લોકશાહીમાં સરકારે ખેડૂતોની ન્યાયી વાત માનવી જ પડશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
